ગોધરા રાજુ સોલંકી
ગુજરાતમાં દિવાળી પછી મહત્વના મનાતા ઉત્તરાયણ પર્વનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. પંચમહાલ જિલ્લામાં આવેલા વિવિધ બજારોમાં પતંગોની માર્કેટ ખુલી ગઈ છે. સાથે સાથે દોરા અને ફિરકીઓનું વેચાણ પણ પુર જોરમાં થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે અવનવી પતંગની વેરાયટી આવતી હોય છે. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલની 182 મીટર ઉંચી પ્રતિમા અનાવરણ કર્યું હતું, જેથી સરદાર પટેલની પ્રતિમા વાળી પતંગ હાલ બજારમાં જોવા મળી રહી છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરા, હાલોલ, કાલોલ, સહિતના તાલુકા મથકો આવેલા વિવિધ બજારોમાં પતંગોની નાની મોટી હાટડીઓ ખૂલી જવા પામી છે. ઉત્તરાયણ પર્વનો જિલ્લાવાસીઓમાં અનેરો થનગનાટ હોય છે. જિલ્લાના બજારમાં હાલ પતંગની અવનવી વેરાયટીઓ જોવા મળી રહી છે. જેમાં કેવડિયા કોલોની ખાતે નરેન્દ્ર મોદીના હસ્તે અનાવરણ કરવામાં આવેલી સરદાર પટેલની પ્રતિમાની પ્રતિકૃતિવાળી અવનવી પતંગો પતંગ રસિયાઓમાં ભારે અનોખો આકર્ષણ જમાવી રહી છે.
અહીંના ગ્રામીણ વિસ્તારમાં ગુજરાતી ફિલ્મના અભિનેતા વિક્રમ ઠાકોર અને અભિનેત્રી મમતા સોનીના ફોટાવાળી પતંગોની પણ ખરીદી કરાઈ રહી છે. પતંગોમાં ખંભાતી, ભરુચી, ચીલ, પતંગોની જોવા મળી રહી છે. એક રૂપિયાથી માંડીને દસ રૂપિયા સુધીનો ભાવ પતંગોનો છે. જ્યારે ફીરકીનો ભાવ 30 થી માંડીને 400 રૂપિયા સુધીનો જોવા મળી રહ્યો છે.
પતંગના દોરાની રીલમાં ગત વર્ષ કરતા વધારો થયો છે એવું વેપારીઓનું કહેવું છે. ગ્રામીણ વિસ્તારમાંથી ઉત્તરાયણના 10 દિવસ પહેલા જે લોકો આવતા હતા તે ઘરાકી ઓછી જોવા મળી રહી છે. ઉત્તરાયણ પર્વ નજીકમાં આવતા ઘરાકી વધશે તેવી આશા પણ સેવી રહ્યાં છે.