સર્જરી થયાના 24 જ કલાકમાં દર્દી હરતા ફરતા થયાં-4 દિવસમાં આપી રજા
અંકલેશ્વર માં માત્ર 6 સેમી ચીરો મૂકી હૃદય વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી કરાઇ છે. મુંબઈથી વડોદરા સુધીમાં પ્રથમ વખત અને એ પણ મુખ્યમંત્રી અમૃતમ(માં) યોજનામાં નિઃશુલ્ક સર્જરી કરાઇ છે.
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલના આ તબીબે સિદ્ધિ મેળવી છે. દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વાર વાલ્વ પ્રત્યારોપણ કરી ડૉ.રવિસાગરે ઇતિહાસ સર્જ્યો છે. અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારની 30 વર્ષના મહિલા 4 વર્ષથી હૃદયના વાલ્વના રોગથી પીડાતાં હતાં. જેથી તે સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટ્યુટ ખાતે મુખ્યમંત્રી અમૃતમ(માં) યોજના હેઠળ દાખલ થયા હતા. હૃદયના વાલ્વ રિપ્લેસમેન્ટની સર્જરી કરાવી હતી. આ સર્જરી ફક્ત 6 સેમી નાના ચીરા (કી-હોલ સર્જરી) કે જે જમણી બાજુની પાંસળીમાં છાતી ખોલ્યા વગર કે કોઈપણ હાડકું કાપ્યા વગર કરવામાં આવી હતી. આ સર્જરી થયાના ફક્ત 24 જ કલાકમાં દર્દી ખાવા પીવા અને હરવા ફરવા લાગ્યા હતાં અને ફક્ત 4 જ દિવસમાં દર્દીને તંદુરસ્ત હોઈ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
સરદાર પટેલ હોસ્પિટલ એન હાર્ટ ઇન્સ્ટ્રીટયુટ અંકલેશ્વરમાં થયેલી આ સર્જરીને મિનિમલ ઈન્વેસિવમાઇટ્રલ વાલ્વ સર્જરી (કી-હોલ સર્જરી) કહેવામાં આવે છે. આ પ્રકારની સર્જરી સુરત અથવા વડોદરામાં અત્યાર સુધી થયેલ નથી. આ કાર્ડિયાક સર્જરીના ક્ષેત્ર મુંબઈથી અમદાવાદ વચ્ચેના સંપૂર્ણં વિસ્તારમાં અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં શક્ય બની હતી. મિનિમલ ઈન્વેસિવ કાર્ડિયાક સર્જરી(કી-હોલ સર્જરી) નિયમિત ધોરણે થતી રહે છે.
આ સુવિધા ગરીબ અને જરૂરિયાતમંદ એવા “માં” અને “માં વાત્સલ્ય” કાર્ડ ધારકો માટે પણ વિનામૂલ્યે ઉપલબ્ધ છે તેમ હોસ્પિટલ મેનેજમેન્ટએ જણાવ્યું હતું. જ્યારે સર્જરી કરનાર ડૉ. રવિસાગર પટેલે જણાવ્યું હતું કે દર્દી ઝડપી સાજો થાય અને સર્જરી બાદ કોઈ તકલીફ ન રહે તેવા પ્રયત્નરૂપે આ સર્જરી કરવામાં આવી છે. જેનાથી હવે હૃદયના દર્દીઓ માટે નવો રસ્તો ખૂલ્યો છે. દર્દીઓએ હવે અન્ય મહાનગરો સુધી લાંબા થવાની અને લાખો રૂ. ખર્ચવાની જરૂર નથી