રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળની પુસ્તકોમાં ભૂલ સામે આવી કોઇ નવી વાત નથી. પહેલા પણ ઘણીવાર પાઠ્ય પુસ્તકોમાં છબરડા જોવા મળ્યાં છે. ત્યારે રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળે તૈયાર કરાયેલા ધો. 5 અને 8ના ગણિતના પાઠ્ય પુસ્તકમાં છબરડા સામે આવી રહ્યાં છે. ધો.5 ગણિતના પુસ્તકમાં ગુણાકારની જગ્યાએ એક્સ છપાયો છે. આ ઉપરાંત ધોરણ-8ના ગણિતના પાઠ્ય પુસ્તકમાં ઘાતાંકની જગ્યાએ માઇનસનું ચિહ્ન મૂકી દેવામાં આવ્યું છે.
આ ભૂલો સાથે વિદ્યાર્થીઓએ અડધુ સત્ર તો કાઢી નાંખ્યું છે પરંતુ કોઇનું જાણે તેની પર ધ્યાન ન ગયુ હોય તેમ કોઇ અવાજ નથી આવ્યો.
ધોરણ-5ના ગણિતના પાઠ્ય પુસ્તકમાં કુલ પાંચ પાનમાં ભૂલો છે. પાન નંબર 107, 171, 178, 179, 186 પર દર્શાવેલા દાખલામાં ગુણાકારની જગ્યાએ એક્સની નિશાની દર્શાવવામાં આવી છે. આ અંગે ડેપ્યુટી ડિરેક્ટર આશિષ બોરીસાગરનું કહેવું છે કે, પ્રિન્ટિંગ કે કમ્પોઝની ભૂલો હશે તો પુન:મુદ્રણ વખતે તેની ચકાસણી કરી સુધારી દેવામાં આવશે.
આ પહેલા પણ ગત મહિને ધોરણ 6ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં દર્શાવવામાં આવેલ નકશાઓમાં છેલ્લા પાંચ વર્ષમાં બનેલા 7 જીલ્લાઓ ગાયબ કરી દેવામાં આવ્યા હતા. આ વખતે વિદ્યાર્થીઓને પુસ્તકો પણ મોડા મળ્યાં હતા અને એમાં પણ છબરડાઓ સામે આવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, હિન્દી-ગુજરાતીમાં ભાષાકીય ભૂલો અને સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં નકશાની ભૂલો મંડળ દ્વારા થઇ રહી છે. નવા અસ્તિત્વમાં આવેલ જિલ્લાઓનો નકશાઓમાં સમાવેશ નથી.