ભરૂચ નગરપાલિકા પ્રમુખના ટેકેદારોમાં ગણગણાટ… કે’ આવો કેવો પ્રમુખ… કે જે પોતાનું ઘર ગંદુ રાખે અને બહાર સ્વચ્છતાની વાતો કરે.
ભરૂચ નગરના વોર્ડ નં. 7નું પ્રતિનિધિત્વ શુરભી તમાકુવાળા કરી રહ્યા છે. જોગાનુ જોગે ભાજપના કમળે તેમને ભરૂચ નગરપાલિકાની ડગમગતી પ્રમુખની ખુરસી આપી છે. તેથી વોર્ડ નં. 7ના રહેવાસીઓને એમ લાગ્યું કે સારા દિવસો આવશે. હવે તો આપણા બહેનના હાથમાં સત્તા છે. પરંતુ બહેન પ્રમુખની ઓફિસમાં બેઠા એટલે ઘર એટલે કે વોર્ડ નં. 7ને ભૂલી ગયા. ઠેર ઠેર સ્વચ્છતા સર્વેક્ષણના ભાષણો શુરભીબહેન આપે છે. પરંતુ તેમના વોર્ડમાં મચ્છી બજાર વિસ્તારમાં ઘૂંટણ સમાન ગંદકીના ડુંગરો જણાઈ રહ્યા છે. અહીં પ્રમુખ વાહન લઈને આવે તો તેમના વાહનનું ટાયર પણ ફસાઈ જાય છે. તે સાથે ભરૂચમાં લોકો બાધા માટે જ્યાં ઠંડુ ખાવા આવે છે તેવા એક માત્ર પવિત્રધામ બળિયાદેવ મંદિર કે જેની કૃપાથી શુરભીબેન પ્રમુખ બન્યા તે બળિયાદેવ મંદિરને પણ તેઓ ભૂલી ગયા. મંદિરની આસપાસ નાકને રૂમાલ અને કપડાં ઢીંચણ સુધી ચઢાવીને જવું પડે તેવી પરિસ્થિતિ અને ગંદકી છે.
મળતી માહિતી પ્રમાણે આ વિસ્તારના રહીશો એવી ચર્ચા કરી રહ્યા છે કે આ તમામ ગંદકી ભેગી કરીએ, ગાંધીગિરી કરીએ અને નગરપાલિકા ખાતે ગંદકી ફેંકી આવીએ.
દિનેશ અડવાણી, ભરૂચ.