ગોધરા તાલુકાના ટિમ્બા ગામના ગ્રામજનો સાથે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્રે રાત્રિ સભા યોજી શિક્ષણ, આરોગ્ય, મહેસુલ જેવા વિભાગોની યોજનાકીય માહિતીથી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. સાથે ગ્રામજનોની જમીન માપણીના રી સર્વે, સિંચાઇના પાણી, બી.પી.એલ. યાદી સુધારણા, વિજળી, સ્મશાન જવાના રસ્તાની દુરસ્તી, નહેરોની સફાઇ, ગામમાં લાઇબ્રેરી શરૂ કરવા જેવી બાબતોની રજુઆતોનો હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.
જિલ્લા કલેકટર શ્રી ઉદિત અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ દ્વારા રાત્રિ સભાનો ઉદ્દેશ, સરકારનો અભિગમ અને ગામના સર્વાંગી વિકાસ સંબંધે ગ્રામજનો સાથે સંવાદ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ગામની ૧૨ મહિલાઓને રાંધણ ગેસનું કીટ સહિત જોડાણ, પરમાર શારદાબેનને વિધવા સહાય અને ૦૮ વ્યક્તિઓને વૃધ્ધ પેન્શન યોજનાની સહાય આપવામાં આવી હતી. તોમ્બા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મળેલા કાયા કલ્પ એવોર્ડ બદલ જિલ્લા કલેકટરે તબીબ અને સમગ્ર ટીમનું અભિવાદન કર્યું હતું.
રાત્રિ સભામાં જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ શ્રી ગોપાલભાઇ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય કમળાબેન, સરપંચ સુમનબેન, નાયબ સરપંચ ભારતીબેન, પ્રાયોજના વહીવટદાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, ગોધરા પ્રંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિતના વિવિધ વિભાગની જિલ્લા કચેરીઓના અધિકારીઓ અને ટીમ્બાના ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજુ સોલંકી, ગોધરા.