મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડીયા ગામ પ્રાથમિક શાળા નજીક ગ્રામસભાનું આયોજન આવ્યું હતું. આ ગ્રામ સભામાં ગામના આગેવાન દિનેશ તડવી ઠરાવોના વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી હતી. તેમજ દરેક મુદ્દા ગ્રામજનોને વાંચી સંભળાવ્યા હતા. જેમાં ગ્રામજનોએ વિવિધ મુદ્દાઓમાં પોતાની સહમતી દર્શાવી હતી. ગ્રામજનોએ આ સભામાં એકતા અને સંપ બતાવ્યો હતો. તેમજ તેઓ સાથે સરકારશ્રી દ્વારા થતાં અન્યાયોને રોકવા એકજૂથ થઈ લડત આપવાની તૈયારીઓ પણ દર્શાવી હતી. તેમજ “જય આદિવાસી” લડેંગે-જીતેંગેના નારાઓ પણ લગાવ્યા હતા. હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રોજેક્ટને લઇ ગ્રામજનોને પડતી વિવિધ મુશ્કેલીઓ તથા આ પ્રોજેક્ટથી આદિવાસી સમાજને જે હેરાનગતિ કરવામાં આવે છે તેમજ આદિવાસી સમાજને આ વિસ્તારમાંથી દૂર કરવાની જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેની સામે એકજૂથ થઈ સામનો કરવા માટેની અપીલ પણ કરવામાં આવી હતી. સાથેસાથે આ પ્રોજેક્ટમાં પહેલો લાભ સ્થાનિક આદિવાસીઓને જ મળવો જોઈએ તેમજ આદિવાસીઓ માટે “આદિવાસી ભવન” પણ અહીં બનાવવું જોઈએ તેમ જણાવ્યું હતું.
આ ગ્રામસભા દરમિયાન આનંદભાઈ (રાજપીપળા), સ્વાતિબેન દેસાઈ (ડેડિયાપાડા), પાર્થભાઈ, ઘનશ્યામભાઈ સહિતના સ્થાનિક આગેવાનો, આરોગ્ય સમિતિના ચેરમેન દિનેશભાઈ તડવી, નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરેશ વાળંદ, સરપંચ ભીખાભાઈ તડવી પ્રફુલ વસાવા, નરેન્દ્ર તડવી, દિનેશ તડવી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
નર્મદા જિલ્લાના કેવડીયા ગામે આદિવાસી સમાજને પડતી હલાકીઓના મુદ્દે વિશાળ ગ્રામસભા યોજાઈ.
Advertisement