ભરૂચ જિલ્લા અનુસૂચિત જાતિ દ્વારા તેઓના બંધારણીય અધિકારો આપવા માટે ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું. સમગ્ર ભરૂચ જિલ્લામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો વસવાટ કરે છે ત્યારે આદિવાસી વસતી ધરાવતા વિસ્તારોમાં શિડ્યુલ-5 અમલ કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી છે.
આજે દેશભરમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લામાં આવેલ આદિવાસી વિસ્તારોમાં બંધારણીય અધિકારો આપવાની માંગ સાથે ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગ્રામસભાની કામગીરી અસરકારક બને તેમજ બંધારણના શિડ્યુલ-5 મુજબની જોગવાઈઓમાં ગ્રામ્યસ્તરે રાજ્યની શાસન વ્યવસ્થા લાગુ પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. સાથે સાથે ગુજરાતમાં ટ્રાઈબલ એડવાઇઝરી કમિટીની પણ પુનઃરચના કરવામાં આવે તે પણ અત્યંત જરૂરી રહ્યું છે. તેમજ સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં આવેલ જમીનોને પણ નોટિફાઇડ વિસ્તાર જાહેર કરી આદિવાસીઓ પાસેથી જમીન હડપી લેવામાં આવે છે, તેવી જમીનો પણ આદિવાસીઓને પરત કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.