ભરૂચ જિલ્લામાં ખાનગી રાહે વ્યાજે નાણા ધિરનાર લોકોનો રાફડો ફાટી નીકળ્યો છે. જેઓ ઉંચા વ્યાજ દરે નાણાંનું ધિરાણ કરી કડક ઉઘરાણી કરતા જે લોકોએ વ્યાજે નાણા લીધા હોય તેની હાલત કફોડી કરી નાખે છે.
જેમકે અંકલેશ્વર જીઆઇડીસીમાં નાનો-મોટો ફરસાણ નો ધંધો કરી જીવન કરતા વેપારીએ કેટલાક સમય પહેલા વ્યાજે નાણા લીધા હતા. જેના પગલે વ્યાજખોરોએ કડક ઉઘરાણી શરૂ કરી હતી. જેથી વેપારીએ ત્રાસી જઈ પોતાનું ઘર છોડી દીધું હતું. બીજી તરફ રજિસ્ટર એડી.થી જીઆઇડીસી પોલીસને આજરોજ ભરૂચ કલેકટર કચેરી વિસ્તારમાં આત્મવિલોપન કરીશ તેવી ધમકી ભર્યો મોકલતા કલેકટર કચેરી વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.
આ બાબતની વિગત જોતા અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં શ્રીજી નાસ્તા સેન્ટરના માલિક અરવિંદ રવજી રફડીયાએ કેટલાક ઈસમો પાસેથી વ્યાજે નાણા લીધા હતા જેની મુદત વીતી જતા લીધેલ નાણાંની કડક ઉઘરાણી વ્યાજખોરો દ્વારા શરૂ કરાઇ હતી. જેના પગલે ત્રાસી જઈ અરવિંદે પોતાનું ઘર છોડી દીધું હતું. તેમજ આત્મવિલોપનની ચીમકી ભર્યો પત્ર પણ લખ્યો હતો જેમાં અરવિંદને માનસિક ત્રાસ આપનાર નાણા ધીરનારના મોબાઈલ નંબર પણ આપવામાં આવેલ હતા. આત્મવિલોપનની ધમકીના પગલે ભરૂચ કલેક્ટર કચેરી વિસ્તારમાં સવારથી જ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.