કેન્દ્રિય કૃષિ મંત્રી રાધા મોહન સિંઘે અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં કરી ભાવવંદના
સ્ટેચ્યુ ઓફ યુનિટી, વેલી ઓફ ફ્લાવર્સ, ટેન્ટ સીટી, ભૂગર્ગ જળવિદ્યુત મથક, સરદાર સરોવર ડેમ સહિતના આકર્ષણોની કેન્દ્રિય મંત્રીએ લીધેલી મુલાકાત
કેળ પાકના મૂલ્યવર્ધન સાથે કેળા વેફર્સ યુનિટ અને વેચાણ કેન્દ્રની પણ મુલાકાત લઇને જાતમાહિતી મેળવતાં મંત્રી
પોઇચા નિલકંઠ યાત્રા-તિર્થધામ મંદિરની મુલાકાત લઇ મંત્રીશ્રીએ દર્શન સાથે કરી પૂજા-અર્ચના
રાજપીપલા, રવિવાર :- કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી રાધા મોહન સિંઘે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્થાપિત સરદાર વલ્લભભાઇ પટેલના સરદાર સ્મારક-સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેને સંલગ્ન વોલ ઓફ યુનિટી,વેલી ઓફ ફ્લાવર્સ,ફુડ કોર્ટ, મેમોરીયલ વિઝીટર્સ સેન્ટર્સ,સરદાર સરોવર ડેમ વગેરે સહિતના વિવિધ આકર્ષણોની મુલાકાત લેવાની સાથે પરમ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.તેમણે અતિ વિરાટ સરદાર સાહેબની વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી.
કેન્દ્રિય કૃષિ મંત્રી રાધા મોહન સિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સભાખંડમાં સરદાર સાહેબના જીવન અને કવનને વણી લેતી ફિલ્મ નિહાળી હતી. તેમણે ૪૫ માળની ઉંચાઇએ પ્રતિમાના હ્રદય સ્થળેથી માતા નર્મદા અને વિંદ્યાચલ-સાતપુડાની ગિરીમાળાઓના દર્શન કર્યા હતા.કેન્દ્રિય કૃષિ મંત્રી સિંઘે જણાવ્યું હતું કે,સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનો હાલના વડાપ્રધાને ૨૦૧૩ માં શિલાન્યાસ કર્યો હતો.અને સમગ્ર દેશભરમાંથી માટી અને ખેડૂતોના ખેત ઓજારનું લોખંડ જે એકત્ર કર્યું હતું અને તેમાંથી આજે ઉભી થયેલી આ વોલ ઓફ યુનિટી તેનું જીવંત ઉદાહરણ છે.સરદાર સાહેબના આદર્શોને મૂર્તિમંત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પૂરી પ્રતિબધ્ધતાથી કરેલું સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણનું કાર્ય સરદાર પટેલના આદર્શોનું દેશવાસીઓને નિશ્વિતપણે સ્મરણ કરાવતું રહેશે. રાષ્ટ્રીય એકતા મજબૂત બનાવવામાં આ સ્મારક મહત્વપૂર્ણ સિધ્ધ થઇ રહ્યું છે.અહીં જે રીતે મોટી સંખ્યામાં લોકો આવી રહ્યાં છે તે રાષ્ટ્રીય એકતાની ભાવનાને ચોક્કસ મજબુત કરશે. સરદાર સાહેબનું સ્વપ્ન પુરૂં કરવા વડાપ્રધાને સેવેલું સ્વપ્ન તેમના આદર્શોનું સૌથી મોટું તીર્થ સ્થળ બની ગયું છે.
નર્મદા નિગમના નાયબ કાર્યપાલક ઇજનેર બ્રહ્મભટ્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટી,આ સમગ્ર પ્રોજેક્ટ તેમજ સરદાર સરોવર બંધની વિશ્વકક્ષાની ઇજનેરી કરામત જેવી તાંત્રિક અને ઇજનેરી વિશેષતાઓ તેમજ વિશ્વની અન્ય વિરાટ પ્રતિમાઓની સરખામણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિરાટત્વની ઝીણવટભરી જાણકારી મંત્રીને આપી હતી.કેન્દ્રિય કૃષિ મંત્રી સિંઘે સરદાર સરોવર બંધના ટોપ પર જઇને સરદાર સરોવરના જળ ભંડાર, સંગ્રહ ક્ષમતાની અને મુખ્ય નહેરના માધ્યમથી નર્મદા જળની ગુજરાતમાં અને રાજસ્થાન સુધી વિતરણ વ્યવસ્થાની જાણકારી સાથે ભૂગર્ભ જળ વિદ્યુત મથકની મુલાકાત લઇને નર્મદા યોજના હેઠળ જળ વિદ્યુત ઉત્પાદનની ક્ષમતા અને તેના વિતરણ વ્યવસ્થાની જાણકારી મેળવવા ઉપરાંત ટેન્ટ સીટીની પણ તેમણે મુલાકાત લીધી હતી.
કેન્દ્રિય કૃષિ મંત્રી રાધા મોહન સિંઘની આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા,જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉ.નિલેશ ભટ્ટ,જિલ્લા આંકડા અધિકારી અને લાયઝન અધિકારી આર.આર. ભાભોર,નર્મદા નિગમ – L & T ના ઇજનેરો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.ત્યારબાદ કેન્દ્રિય મંત્રી સિંઘ રાજપીપલા નજીક કેળના પાકમાંથી મૂલ્યવર્ધન સાથે કેળની વેફર્સ બનાવવાના યુનિટ – વેચાણ કેન્દ્રની પણ મુલાકાત લઇ તેમણે રોજગારી મેળવતી બહેનો-ભાઇઓ સાથે સંવાદ કરીને જરૂરી જાણકારી મેળવીહતી. ત્યારબાદ મંત્રી પ્રસિધ્ધ નિલકંઠ-તિર્થ-યાત્રાધામ પોઇચા મંદિર ખાતે પહોંચીને દર્શન – પૂજા- અર્ચના કરી હતી.