મુખ્યમંત્રી વિજય રૂપાણી પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા
ખાતેથી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે સાથે જિલ્લામાં આરોગ્ય અને શિક્ષણની લોક સુવિધાઓના નવિન બનેલા રૂા. ૪૭૨ લાખના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે.
આ નવિન પ્રકલ્પોના લોકાર્પણથી છેવાડાના માનવી સુધી આરોગ્ય અને શિક્ષણની માળખાકીય સુવિધાઓના લાભો મળતા થશે. જિલ્લાના જાંબુઘોડા ખાતે આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રૂા. ૬૫.૪૦ લાખના ખર્ચે પુરૂષ અને મહિલાઓ માટે ૧૫-૧૫ પથારીનો નવિન વોર્ડ બનાવવામાં આવ્યો છે. જેનાથી તાલુકાના ૫૦ જેટલા ગામોની પ્રજાને લાભ થશે. ઘોઘંબા તાલુકાના અંતરિયાળ અને છેવાડાના ગુંદી ગામે રૂા. ૧૦૫ લાખના ખર્ચે નવિન બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી આસપાસના પાચ થી સાત ગામના ગ્રામિણોને નજીકમાંજ આરોગ્યની સેવાનો લાભ પ્રાપ્ત થશે. મોરવા (હ) તાલુકાના મોરા ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રૂા. ૬૩.૮૫ લાખના ખર્ચે નવિન વોર્ડ બનાવવામાં આવ્યો છે. જેનાથી આસપાસના ૧૦ જેટલા ગામોની પ્રજાને લાભ થશે. સાથે આજ તાલુકાના માતરિયા વેજમા ગામે રૂા. ૨૦.૮૦ લાખના ખર્ચે નવિન બનેલા સબ સેન્ટરથી નજીકના પાચ જેટલા ગામોને આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ બનશે.
શિક્ષણ અંતર્ગત અંતરિયાળ વિસ્તારની કન્યાઓને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે હાલોલ તાલુકાના છેવાડાના વાઘબોડ ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું નવિન ભવન રૂા. ૧૩૪ લાખના ખર્ચે બનાવવામાં આવ્યું છે. જ્યાં ધોરણ ૬ થી ૮ની ૫૦ કન્યાઓને વિનામૂલ્યે રહેવા, જમવા સાથે શિક્ષણની સુવિધા ઉપલબ્ધ થશે. જાંબુઘોડા તાલુકાના હિરાપુર ગામે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું એક્ષટેન્શન કરવામાં આવ્યું છે. અહીં ધોરણ ૬ થી ૮ની ૫૦ કન્યાઓને વિનામૂલ્યે રહેવા, જમવા સાથે શિક્ષણની સુવિધા મળી રહી છે. ઉપરાંત ધોરણ ૯ અને ૧૦ની ૫૦ કન્યાઓને જમવા અને નિવાસની સગવડ માટે રૂા. ૮૩ લાખના ખર્ચે નવિન ભવન બનાવવામાં આવ્યું છે. જેનાથી છેવાડાના આ વિસ્તારની અતિપછાત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, માતા કે પિતામાંથી કોઇપણ એક – સિંગલ પેરેન્ટ ધરાવતી બાલિકાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણનો લાભ પ્રાપ્ત થશે.
રાજુ સોલંકી, ગોધરા.