ગોધરા, રાજુ સોલંકી
જિલ્લાના શહેરા પંથકમાં ગત એપ્રિલ મહિનામાં ચકચાર મચાવનારા કરોડો રૂપિયાના ખેતતલાવડી કૌભાંડમાં સામેલ અને નાસતા ફરતા 6 આરોપીઓ માંથી આખરે 7 માસ બાદ 1 આરોપી સર્વેયર જીવાભાઇ કોયાભાઇ વણકરની ACB દ્રારા તેમના નિવાસ સ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી
પંચમહાલના શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોના સગરાડા, ખટકપુર, ધાધંલપુર, સહાતના ગામોના ખેડૂત ખાતેદારોના દસ્તાવેજી પુરાવા લઇને ખોટી સહીઓ કરી માત્ર કાગળ પર જ ખેત તલાવડી બનાવીને કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. જેને લઇને શહેરા તાલુકા પોલીસ મથકે ગત એપ્રિલ મહિનામાં ખેડૂતો દ્વારા અરજી આપવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસ દરમિયાન 160 જેટલા ખેડુતોનાં નામે મળીને કુલ ₹.99,49,062ની રકમ બારોબાર ઉપડી ગયાં હોવાની સનસનાટી ભરી વિગતો બહાર આવી હતી.
અંગે શહેરા તાલુકાના ખટકપુર ગામના ખેડૂત દ્રારા શહેરા પોલીસ સ્ટેશનમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિ. ના મદદનીશ નિયામકના સર્વેયર જીવાભાઇ કોયાભાઇ વણકર તથા નાંણા મેળવનાર એજન્સીનાં સંચાલક હાથીભાઈ પટેલીયા, જયરુપભાઈ ચૌધરી, નવલસિંહ પટેલીયા તથા પર્વતભાઈ દલાભાઈ ખાંટ વિરુધ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનાની તપાસનો ધમધમાટ તત્કાલિન PI હસમુખ સીસારા દ્રારા શરુ કરવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન જ તેમની બદલી અમદાવાદ ખાતે થઈ ગઈ હતી અને આ તપાસ ACBને સોપવામાં આવી હતી.આખરે 7 માસ બાદ આ ખેત તલાવડી કૌભાંડ આચરનારા પૈકીનો 1 આરોપી જે ગુજરાત જમીન વિકાસ નિગમના સર્વેયર જીવાભાઈ કોયાભાઈ વણકરને મહિસાગર જિલ્લાના લુણાવાડા પાસેના નમનાર ગામે તેના નિવાસ સ્થાનેથી ઝડપી પાડ્યો હતો. જો કે અન્ય આરોપીઓ હાલ ફરાર છે. તેમને પણ પકડવાની તજવીજ ચાલી રહી છે.