(વિશાલ મિસ્ત્રી રાજપીપળા):નર્મદા જિલ્લામાં અકસ્માતના અલગ અલગ ૩ બનાવો બન્યા હતા.અકસ્માતના બે બનાવો આમલેથા પોલીસ મથકની હદમાં ગત ૧૩/૧૧/૨૦૧૮ ના દિવસે જ બન્યા હતા.આ અકસ્માતમાં ત્રણ યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજતા પંથજમાં ગમગીની છવાઈ ગઈ હતી.આ બન્ને અકસ્માતમાં આરોપીઓ અકસ્માત કરી ફરાર થઈ જતા આમલેથા પોલીસે એમને વોન્ટેડ જાહેર કર્યા છે અને સાથે સાથે એમની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે ત્રીજો બનાવ ૧૪/૧૧/૨૦૧૮ના રોજ કેવડિયા ખાતે બન્યો હતો જેમાં પિતા-પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આમલેથા પોલીસ સ્ટેશનની હદમાં મંગળવારે 13/11/2018 ના રોજ બનેલા અકસ્માતના પ્રથમ બનાવ મુજબ નાંદોદ તાલુકાના મોટાહેડવા ગામનો અનિલ અનુપ વસાવા જીજે ૨૨ ૪૭૫૦ લઈ જઈ રહ્યો હતો ત્યારે નજીકના વિરપોર અને રીંગણી વચ્ચે અજાણ્યા વાહનચાલકે અનિલની બાઇકને ટક્કર મારી હતી.આ અકસ્માતમાં અનિલ અનુપ વસાવાનું (ઉ.વ.આશરે 18)કરુણ મોત નીપજ્યું હતું.જયારે બીજો અકસ્માત પ્રતાપનગર ગામ પાસેના વળાંક પાસે થયો હતો.જેમાં ભીલવાડા ગામના બે યુવાનો પૈકી હેમંત ઈશ્વર વસાવા અને પ્રહલાદ ભુપત વસાવા પોતાની બાઈક જીજે ૨૨ ડી ૧૭૯૦ લઈને મામાને ત્યાં ગામકૂવા ગામે જતા હતા.એ સમયે પાછળથી શેરડી ભરીને આવતા જીજે ૨૨ યુ ૦૫૦૬ ટ્રેક્ટરના ચાલકે એમની બાઇકને ટક્કર મારતા બંને યુવાનોને ગંભીર ઈજાઓ થઈ હતી.જેમાં એમનું મોત થયું હતું.આ બન્ને અકસ્માતમાં બન્ને આરોપીઓ ફરાર થઈ ગયા હતા.જેથી આમલેથા પોલીસે એ બન્નેને વોન્ટેડ જાહેર કર્યા છે.અને એમને શોધવાની તજવીજ હાથ ધરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સ્ટેચ્યુ ઓફ યુનિટી નિર્માણ પામી છે.એને નિહાળવા રાજ્યભરમાંથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે.તો બુધવારે અમદાવાદથી એક પરિવાર કાર નં જીજે ૦૧ એચઆર ૪૬૪૬ લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવ્યા હતા.દરમિયાન સવારે ૭:૧૫ કલાકે ગરૂડેશ્વર તાલુકાના પંચલા ગામના પિતા-પુત્ર મહેશ તડવી અને વિશાલ તડવી જીજે ૨૨ કે ૪૮૪૪ પર સાગબારા જીઈબી પર જઈ રહ્યા હતા.દરમિયાન કેવડિયા કોલોનીના પથિકાશ્રમ ત્રણ રસ્તા પાસે એ વોલ્વો ગાડીના ચાલકે ગફલતભરી રીતે હંકારી લાવી એમની બાઈકને અડફેટે લીધી હતી.આ અકસ્માતમાં પિતા-પુત્રને હાથે ઇજા અને ફ્રેક્ચર થતા બન્નેને ગંભીર હાલતમાં ૧૦૮ દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.ત્યાંથી તેમને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા.બાદ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે આ અકસ્માતનો આરોપી વોલ્વો ચાલકનું નામ બહાર આવવા પામ્યું નથી.