ગોધરા,રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોથા વર્ષે પાવાગઢ-ચાંપાનેર ખાતે પંચમહોત્સવ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. ૨૨/૧૨/૨૦૧૮ થી તા.૨૬/૧૨/૨૦૧૮ના પાંચ દિવસો દરમિયાન ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં ઓસમાન મીર, કિંજલ દવે, ભુમિ ત્રિવેદી, દર્શન રાવલ જેવા નામી કલાકારો પોતાની કલાના ઓજસ પાથરશે.
પાવાગઢ-ચાંપાનેરનું ધાર્મિક મહાત્મ્ય, ઐતિહાસિક સ્થાપત્યો અને પ્રકૃતિની દિવ્ય અનુભૂતિને જાણવા સાથે માણવાનો સોનેરી સુઅવસર આ પંચમહોત્સવ અહીં આવનાર સૌ કોઇને પ્રાપ્ત કરાવે છે. પાવાગઢના ડુંગરે મા મહાકાળીના બેસણા છે. વર્ષભર દર્શનાર્થે લાખો શ્રધ્ધાળુઓ આવતા હોય છે. પૌરાણિક લકુલીશ મહાદેવનું સ્થાપત્ય સભર મંદિર, જૈન મંદિરો અને અન્ય ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે. તળેટીમાં ચાંપાનેર ખાતે વૈશ્વિક વિરાસતના બેનમૂન સ્થાપત્યો આવેલા છે. ગુજરાતમાં સૌ પ્રથમ વખત અહીંના સ્થાપત્યો વર્લ્ડ હેરીટેજમાં સ્થાન પામ્યા હતાં. આ ઉપરાંત નેચરલ ટ્રેઇલ, બર્ડ વોચ, એડવન્ચર ટ્રેઇલમાં અહીંના અદભૂત પ્રાકૃતિક સૌંદર્યનો નજારો માણી શકાય છે. નજીકમાં આવેલા દેવ ડેમ અને જાંબુઘોડાનું વન અભયારણ્ય નૈસર્ગિક પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે.
આ ઉપરાંત પંચમહોત્સવમાં, હેરીટેજ વોક, ફૂડ બજાર, ક્રાફ્ટ બજાર, એમ્યુઝમેન્ટ પાર્ક, ટેન્ટ સીટી, એડવેન્ચર સ્પોર્ટ્સ, ફોટોગ્રાફી વર્કશોપ, ફોટોગ્રાફી સ્પર્ધા, આર્ટ એક્ટિવીટીઝ, સ્થાનિક કલાકારોના સાંસ્કૃતિક કાર્યક્રમો, શાળા/કોલેજના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓ અને વિજેતાઓને ઇનામ જેવા અનેક આકર્ષણો આ પંચમહોત્સવમાં રાખવામાં આવ્યાં છે.
આ અંગે, જિલ્લા કલેકટર શ્રી ઉદિત અગ્રવાલના અધ્યક્ષપણા હેઠળ પંચહોત્સવ ઉજવણીના વિવિધ કાર્યક્રમો અને જુદી જુદી ઇવેન્ટના સૂક્ષ્મ અને સઘન આયોજનની બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહ, નાયબ વન સંરક્ષક અંશુમાન શર્મા, નિવાસી અધિક કલેકટર મહેન્દ્ર નલવાયા, અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.