મધ્યમ અને લઘુ ઉદ્યોગને શીઘ્રતા અને સરળતાથી રૂપિયા ૧ કરોડ સુધીની લોન માત્ર ૫૯ મિનિટમાં જ ઓનલાઈન મેળવી શકાશે. એમ.એસ.એમ.ઇ. સપોર્ટ પોર્ટલ દ્વારા રોકડપ્રાપ્તિ, લઘુ-મધ્યમ ઉદ્યોગો માટે કાનૂનનું અનુપાલન સરળતાથી થાય તેમજ ઉદ્યોગોના કર્મચારીઓને સામાજિક સુરક્ષાનો લાભ મળી શકે તે અંગેની વીમા યોજનાઓ પણ આવરી લેવામાં આવી છે. આ પોર્ટલનું અનાવરણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું જેનું જીવંત પ્રસારણ ભરૂચના પંડિત ઓમકારનાથ ટાઉન હોલ ખાતે વિડિઓ ડિસ્પ્લેના માધ્યમથી દર્શાવવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન લોકસભાના સાંસદ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા મીનાક્ષી લેખી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા સમાહર્તા રવિકુમાર અરોરા, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અર્ગે, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ યોગેશ પટેલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, નગરપાલિકા પ્રમુખ સુરભી તમાકુવાલા, બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજર બી.આર.પટેલ, લઘુ ઉદ્યોગ ભારતીના પૂર્વ પ્રમુખ આર.એમ.પટેલ, ધર્મેન્દ્ર જોશી, વિજય રાઉત તેમજ મોટી સંખ્યામાં વિવિધ બેંકના અધિકારીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.