સૌજન્ય/ઓલપાડ: દેશી દારૂ બનાવવો અને વેચવોએ દારૂબંધીના કાયદા મુજબ ગેરકાનૂની કહેવાય છે. ગુજરાતમાં દારૂ બંધી હોઈ દારૂનું વેચાણ કરનારા વિરુદ્ધ દારૂબંધી અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે. પરંતુ, ઓલપાડ તાલુકામાં દેશી દારૂના વેપલાનો વ્યાપ સતત વધી રહ્યો છે. પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હાનો આંક જોતા વાતને સમર્થન મળે છે. નિરાધાર, વિધવા અને ગરીબ ઘરની મહિલાઓ આ ધંધા થકી પરિવારનું ગુજરાન ચલાવે છે. એટલે જ તાલુકામાં દારૂનો ધંધો કરવામાં પુરુષ કરતા મહિલાઓની સંખ્યા પાંચ ઘણી વધારે છે.
ઓલપાડ પોલીસે દારૂનું વેચાણ કરતા લોકો વિરુદ્ધ દારૂબંધીના કાયદાનો અમલ કરાવવા માટે કરેલી રેડની કામગીરી મુજબ છેલ્લા પાંચ વર્ષમાં દારૂ બનાવવો અને વેચવાના ગુન્હામાં ઓલપાડ પોલીસે કુલ 4,480 મહિલાઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યા છે, જયારે 1,689 પુરુષ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે. મહિલાઓ વિરુદ્ધ નોંધાયેલા કેસની આંકડાકીય માહિતી જોતા પુરૂષો કરતા ત્રણ ઘણી વધુ જોવા મળે છે. દારૂનું વેચાણ કરવામાં મહિલાઓ વધુ સક્રિય હોવાનું સાબિત થયુ છે. આની પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન કરતા અનેક ચોંકાવનારી અને હૃદય હચમચાવનારી માહિતીઓ બહાર આવી છે. ઘણી મહિલાઓ દારૂના ધંધામાં ઓછી મહેનતે વધારે આવક મળતી હોવાથી જ્યારે અમૂક મહિલાઓ દારૂના વ્યવસાયમાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજબૂર બનતી હોવા અંગેની બાબત પણ બહાર આવી હતી.
હજારો મહિલાઓ સંકળાયેલી છે
ઓલપાડ પોલીસ સ્ટેશનમાં દારૂના કેસમાં છેલ્લા પાંચ વર્ષમાં પકડાયેલી 4,480 મહિલાઓ જ દારૂનો ધંધો કરે છે, એવું નથી પણ વિશ્વસનીય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ તાલુકામાં હજીપણ અનેક મહિલાઓ પોલીસના છુપા આશીર્વાદથી દારૂનો ધંધો કરતી આવી છે. તેમના પર કેસ ન થતા હોવાથી બિન્દાસ છે.