*વિશાલ મિસ્ત્રી રાજપીપળા*:આગામી તા.૩૧મી ઓક્ટોબર,૨૦૧૮નાં રોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિના દિને,દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે,કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઊંચી,૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીના લોકાર્પણના કાર્યક્રમની તૈયારીઓ થઇ રહી છે.એ પૂર્વ પીએમ મોદીના કાર્યક્રમ મુદ્દે રાજ્યના મુખ્ય સચિવ જે.એન.સિંગની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી.જેમાં રાજ્યના આઇ.ટી.વિભાગના અગ્રસચિવ ધનંજય દ્વિવેદી,પોલીસ વિભાગના આઇ.જી.અજયસિંહ તોમર,નર્મદા નિગમના સંયુક્ત વહિવટી સંચાલક સંદિપ કુમાર,પ્રવાસન નિગમના એમ.ડી.જેનુ દેવન,નર્મદા નિગમના ટેકનિકલ ડીરેક્ટર નાદપરા,જિલ્લા કલેક્ટર આર.એસ.નિનામા,જિલ્લા વિકાસ અધિકારી ડૉ.જીન્સી વિલિયમ સહિત અન્ય જિલ્લાના કલેકટરો,જિલ્લા વિકાસ અધિકારીઓ સહિત સનદી અધિકારીઓ સાહિતનાઓની હાજરીમાં મુખ્ય સચિવ જે.એન.સિંગે શુક્રવારે મોડી સાંજે પીએમ મોદીના કાર્યક્રમને આખરી ઓપ આપ્યો હતો.
આ બેઠક બાદ જે.એન.સિંગે જણાવ્યું હતું કે 31મી ઓક્ટોબરે પીએમ મોદીનું સવારે 9 કલાકે કેવડિયા હેલિપેડ પર આગમન થશે,ત્યાર બાદ 9:10 કલાકે ફલાવર ઓફ વેલીની મુલાકાત અને ત્યાર બાદ 9:50 મિનિટે ટેન્ટ સિટીની મુલાકાત લેશે ત્યાંથી સીધા 10:15 કલાકે સભાસ્થળ પર હાજર થશે,બાદ 10:20 કલાકે વોલ ઓફ યુનિટી પર જશે.અને 11:35 કલાકે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરી 11:45 કલાકે મ્યુઝિયમની મુલાકાત લઈ 12:15 કલાકે હેલિપેડ પર જવા રવાના થશે આમ 4 કલાક અને 15 મિનિટ સુધી પીએમ મોદી કેવડિયા ખાતે હાજર રહેશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે 27મી ઓક્ટોબરે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સવારે 11 કલાકે કેવડિયા ખાતે આવી સમીક્ષા કરી SPG સાથે મિટિંગ કરી સ્ટેચ્યુની પૂર્વ તૈયારીઓ અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરશે.તો અંતર્ગત સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પીએમ મોદી 30મી ઓક્ટોબરે દિલ્હીથી રાત્રે 8:15 કલાકે નીકળી 9:30 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને રાજભવન ખાતે રાત્રી રોકાણ કરશે.અને ત્યારે 31મી એ સવારે 7:45 કલાકે કેવડિયા આવવા નીકળશે.