૧૦ દિવસથી રાત્રી વાયુ પ્રદુષણથી ત્રાસી જનતા હવે આંદોલનનાં મુડમાં…
અંકલેશ્વર GIDC શહેરના પ્રજાને છેલ્લા ૧૦ દિવસથી રાત્રી વાયુ પ્રદુષણ હેરાન-પરેશાન કરી નાખી છે. આ મુદ્દે અંકલેશ્વર કોંગ્રેસ દ્વારા શુક્રવારે GPCB ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું.
અંકલેશ્વરનાં કેટલાંક બેજવાબદાર ઉધ્યોગો દ્વારા છેલ્લા ૧૦ દિવસથી રાત્રે ભયંકર દુર્ગંધ યુકત પ્રદુષિત વાયુ છોડવામાં આવી રહ્યો છે. જેના લીધે સેંકડો લોકોને ગુંગળામણ, માથાનો દુખાવો જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોનાં આરોગ્ય સામે ઊભા થયેલા આ ગંભીર ખતરા અંગે GPCB નાં સ્થાનિક અધિકારીઓને વારંવાર રજુઆતો બાદ પણ નથી GPCB આવાં પ્રદુષણકર્તા ઉધ્યોગો સામે પગલા લેતી કે નથી ઉધ્યોગો પ્રદુષણ અટકાવતાં. આથી ત્રાસી લોકોની લાગણીને વાચા આપવા માટે શુક્ર્વારે અંકલેશ્વર કોંગ્રેસ સમિતિ દ્વારા GPCB કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફડવાલા, તાલુકા કોંગ્રેસ અગ્રણી મગન માસ્તર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાલુભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ જગતસિંહ વાંસદિયા, સહિત યુથ કોંગ્રેસનાં હોદ્દેદ્દારો, કાર્યકર્તાઓ તેમજ પાલિકાનાં સભ્યો જોડાયાં હતાં. અને GIDC ખાતે આવેલ GPCB કચેરી ખાતે સુત્રોચ્ચાર સહિત વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ અંગે જીલ્લા પ્રવક્તા નાઝુ ફડવાલાએ જણાવ્યું હતું કે અંકલેશ્વરની પ્રજાનાં આરોગ્ય સાથે છેડછાડ ઉધ્યોગો દ્વારા કરાશે એ સાંપડી નહિ લેવાય. હજુ પણ GPCB જો આ બાબતે કડક હાથે કામ નહિં લે તો વધુ ઉગ્ર અને આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે.
વધુમાં નાઝુ ફડવાલાએ જણાવ્યું કે અંકલેશ્વરની GPCB ની કચેરીની આ જવાબદારી છે પરંતુ અધિકારીઓ ભ્રષ્ટાચારમાંથી ઊંચા નથી આવતાં આવાં અધિકારીઓ સાનમાં સમજી જાય અને પોતાની ફરજ નિષ્ઠાથી બજાવે એ જરૂરી છે. કોંગ્રેસ વિકાસની નીતીમાં માને છે પરંતુ પ્રજાનાં આરોગ્યની વાત આવે ત્યારે હંમેશા કોંગ્રેસ પ્રજાની સાથે જ રહેશે. GPCB નાં અધિકારીઓ હવે ઊંઘમાંથી જાગીને કડક પગલાં લે એ સમય આવી ગયો છે.