વિશાલ મિસ્ત્રી રાજપીપળા:નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઇ પટેલની ભવ્ય પ્રતિમાંનુ નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ છે.ભારતની એકતા અને અખંડતાના પ્રતિક રૂપ આ પ્રોજેક્ટના લોકાર્પણ માટે ભારત દેશને વડાપ્રધાન ૩૧/૧૦/૨૦૧૮ના રોજ આવનાર છે.લોકાર્પણના આ કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી અનેક વી.આઈ.પી./વી.વી.આઈ.પી. મહાનુભાવો તેમજ અત્યંત મોટી સંખ્યામાં જનમેદની આવે તેવી સંભાવના છે.આ લોકાર્પણ કાર્યક્રમ બાદ પણ દેશના અલગ–અલગ રાજ્યમાંથી તથા વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સરદાર સરોવર/નર્મદા ડેમ,સૂચિત વેલી ઓફ ફ્લાવર જેવા વૈશ્વિક કક્ષાના પ્રવાસન ધામોની મુલાકાતે આવવાની સંભાવના છે.જેને ધ્યાને લેતા કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવા માટે તથા ટ્રાફિકના સુચારૂ નિયમન અર્થે કેવડીયા ખાતે નવું ટ્રાફિક પોલીસ સ્ટેશન ઊભુ કરવાની રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.જે અન્વયે 01બિન હથિયારી પો.ઈન્સ્પેક્ટર,02 બિન હથિયારી પો.સબ ઈન્સ્પેક્ટર,10 બિન હથિયારી એ.એસ.આઈ,15 બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ,39 બિન હથિયારી પો.કોન્સ્ટેબલ,03 હથિયારી એ.એસ.આઈ,15 હથિયારી પો.કોન્સ્ટેબલ મળી કુલ 85 પોલીસ કર્મીઓને સ્ટાફનું મહેકમ મંજુર કરાયું છે.
વધુમાં,કેવડીયા પોલીસ સ્ટેશનને પોલીસ સબ ઈન્સ્પેક્ટર કક્ષામાંથી પોલીસ ઈન્સ્પેક્ટર કક્ષામાં અપગ્રેડ કરવાની પણ રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.આ કાર્યક્રમમાં વિશાળ જનમેદની આવે તેવી સંભાવના હોઈ ટ્રાફિકની ભારે મોટી અવર-જવરને ધ્યાને લઈ ટ્રાફિક નિયમન હેતુસર કુલ-૪૬ ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ માટેનું માળખુ રાજ્ય સરકાર દ્વારા નવું મંજૂર કરવામાં આવ્યું છે.