સૌજન્ય/વડોદરાઃ દિવાળીના તહેવારોમાં શહેરના ચાર દરવાજા વિસ્તારમાં ખરીદી કરવા મોટી સંખ્યામાં લોકોની ભીડ રહેતી હોવાથી પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી ચાર દરવાજા વિસ્તારમાં બપોરના 4 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધીના ગાળામાં તમામ પ્રકારના ફોર વ્હીલર માટે નો સ્ટોપીંગ ઝોન જાહેર કર્યો છે, જયારે ચાર દરવાજા વિસ્તારમાં રિકશા અને સિટી બસ માટે નો એન્ટ્રી જાહેર કરાઇ છે. જો કે રિકશામાં હોસ્પિટલમાં જતા દર્દીઓ, સિનીયર સિટીઝન્સ અને શારિરીક તકલીફ વાળા વ્યકતીઓને માંડવી તરફ જવાની મુકતી અપાઇ છે.
ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું
દિવાળીના તહેવારો હવે નજીક છે, ત્યારે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ખાસ કરીને સાંજના સમયે ચાર દરવાજા વિસ્તાર લહેરીપુરાથી માંડવી, ગેંડીગેટથી માંડવી, પાણીગેટથી માંડવી અને ચાંપાનેર દરવાજાથી માંડવી ના રસ્તાઓ પર લોકોની સૌથી વધુ ભીડ હોય છે, જેથી વારંવાર ટ્રાફિક જામની સમસ્યા ઉભી થાય છે. ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડી ચાર દરવાજા વિસ્તારમાં 24 ઓકટોબરથી 8 નવેમ્બર સુધીના ગાળામાં બપોરે 4થી રાતના 9 વાગ્યા સુધી ઓટોરિકશા અને સિટી બસ માટે નો એન્ટ્રી જાહેર કરાઇ છે. આ ઉપરાંત સમગ્ર ચાર દરવાજા વિસ્તારમાં તમામ પ્રકારના ફોર વ્હીલર માટે નો સ્ટોપીંગ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. જોકે આ જાહેરનામામાંથી રિકશામાં હોસ્પિટલમાં જતા દર્દીઓ તથા વૃદ્વો અને શારિરીક વિકલાંગ વ્યક્તિઓને માંડવી તરફ જવા માટે મુક્તિ અપાઇ છે.
પોલીસ કમિશનરે ચાર દરવાજા વિસ્તારમાં જઇ મોનિટરિંગ કર્યુ : 15 પોઇન્ટ અલગ તારવી બંદોબસ્ત મૂકાશે
દિવાળીના તહેવારોમાં ચાર દરવાજા વિસ્તારમાં રહેતા ટ્રાફિક ઉપરાંત તહેવારોમાં જ્વેલર્સ, આંગડીયાપેઢી અને ફાઇનાન્સ કંપનીઓમાં મોટા પ્રમાણમાં થતી લેવડ દેવડને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર અનુપમસિંગ ગહલૌતે મંગળવારે ચાર દરવાજા વિસ્તારમાં જઇને મોનિટરીંગ કર્યું હતું. સોના ચાંદીના શો રુમ્સ તથા ફાઇનાન્સ કંપનીઓની આસપાસ પોલીસનું સતત પેટ્રોલિંગ સહિતના વિવિધ મુદ્દા અંગે તેમણે જાત નિરીક્ષણ કર્યું હતું.
ચાર દરવાજા વિસ્તારના 15 પોઇન્ટ આઇડેન્ટીફાઇ કરીને ત્યાં હથિયારધારી પોલીસ મુકવાનો પણ તેમણે નિર્ણય કર્યો હતો. તેઓ ઘડીયાળી પોળમાં પણ પહોંચ્યા હતા અને ત્યાં ચાલતા લાલાભાઇના ખાનગી 45 સીસીટીવી કેમેરાના નેટવર્કની માહિતી મેળવી આ નેટવર્કનો પણ પોલીસ ઉપયોગ કરશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત આ વિસ્તારમાં પોલીસ તંત્રના વધુ કેમેરા લગાવાનો પણ નિર્ણય કરાયો હતો.