સૌજન્ય/સુરત: પરવટ પાટિયા પાસે રહેતી 14 વર્ષીય તરૂણીને નજીકમાં રહેતા બે યુવકો ફરવા માટે બાઈક પર ઓલપાડના ડભારીએ 19મી તારીખે લઈ ગયા હતા. ડભારી પાસે બાઈક પરથી તરૂણી પડી જતા માથામાં ગંભીર ઇજા થઈ હતી. આ બંને તરુણીને સિવિલમાં લઈ આવ્યા હતા. જ્યાથી તેણીને વધુ સારવાર માટે ભટારની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઇ છે. હાલમાં તરૂણી બેભાન છે. તરુણીને લઇ જનાર યોગેશ અને કિશનને કોઈ ઈજા થઈ નથી કે બાઈકમાં કશું નુકશાન થયું નથી. ઓલપાડ પોલીસે અકસ્માત ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. તરૂણીના પિતાએ આક્ષેપ કર્યો કે મારી દિકરીનું અપહરણ કરીને બંને યુવકોએ લઇ જઇ બળજબરી કરી હતી. તેને ગળામાં ઈજાના નિશાન પણ છે. આ બાબતે તેણીના પિતાએ સુરત જિલ્લા પોલીસવડા અને રેંજ આઈજીને પણ રજૂઆત કરી છે.
પરિવારે આક્ષેપ કર્યો છે
તપાસ ચાલુ છે, છોકરી હોસ્પિટલમાં એડમિટ છે. પરિવારે આક્ષેપ કર્યો છે.તપાસ કરીને જે કંઈ કાર્યવાહી હશે તે કરીશું. – એ.એમ.મુનીયા, ડીએસપી, સુરત ગ્રામ્ય પોલીસ
ફર્સ્ટ પર્સન-મારી દીકરી સાથે કંઈ થયું હોઈ શકે છે-તરૂણીના પિતા
હું છુટક કાપડનો ધંધો કરૂ છું, મારી દિકરી પરવટપાટિયાની સ્કુલમાં ઘો-8માં ભણે છે અને તે રિક્ષામાં સ્કુલે જાય છે. કશું લેવા પણ જવાની હોય તો પૂછીને જાય છે. ત્યારે તે કેવી રીતે ડભારી પહોંચી જાય, મારી દિકરીને આ બે યુવકો જબરજસ્દતીથી બાઈક પર લઈ જઈ તેની સાથે બળજબરી કરી હોય એવું લાગે છે. તેના ગળા પર નિશાન પણ છે. અમે ડભારીમાં જે જગ્યા પર એક્સિડન્ટ થયુ ત્યાં ગયા, તે કાચો રસ્તો છે. પહેલા એક ચંપલ મળી, તેના 15 ફુટના અંતરે બીજી ચંપલ તેમજ 10 ફુટના અંતરે ઓઢણી અને તેનાથી થોડે દૂર લોહી પડેલું છે. જેનાથી ભાગી તે હોય એવુ અમને લાગે છે. એવુ પણ લાગે કે જબરજસ્તી કરી હોય. જો કે જે રસ્તા પર એક્સિડન્ટ થયુ હોવાનું કહેવાય છે ત્યાં બાઈક લઈ જવાય એવી સ્થિતી નથી. જો બાઈક પરથી મારી દિકરી પડી હોય તો તે બે યુવકોને કેમ ન વાગ્યુ, બાઈક પણ નુકશાન થયું નથી.મારી દિકરી સાથે કંઈ થયું હોઈ શકે છે. મારી દિકરી હજુ ભાનમાં નથી.