સૌજન્ય/અમદાવાદ: બોપલ કસ્ટોડિયલ ડેથમાં મૃત્યુ પામેલા સુરુભા ઝાલાને પોલીસે માર મારી, વીજ કરંટ આપી, પગના નખ ખેંચી નાખ્યા હોવાથી તેનું મૃત્યુ થયાનું પોસ્ટ મોર્ટમમાં પુરવાર થયું છે. બોપલ પોલીસે અમદાવાદ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાંચ-એસઓજીના પીએસઆઈ સહિત 5 પોલીસ કર્મી સામે ખૂન તેમજ પુરાવાનો નાશ કરવા અંગે ગુનો નોંધ્યો છે. ફરિયાદ દાખલ કર્યા બાદ એક અઠવાડિયા પછી રવિવારે સવારે સુરુભાના અંતિમ સંસ્કાર કરાયા હતા.
બોપલ કસ્ટોડિયલ ડેથના પીએમ રિપોર્ટમાં પોલીસનું ટોર્ચર ખૂલ્યું
બ્લૂ ડાર્ટ કુરિયર કંપનીના ટ્રક ડ્રાઈવર સુરુભા ઝાલા રાજકોટથી ટ્રકમાં લાખો રૂપિયાના કિંમતી પાર્સલો લઇને અમદાવાદ આવવા નીકળ્યા હતા. રસ્તામાં બગોદરા પાસે ટ્રકમાંથી અઢી કરોડના હીરા – સોનાના પાર્સલોની ચોરી થઇ હતી. જે બાબતે માલિકે બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે અમદાવાદ જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાંચ અને એસઓજીની ટીમ 14 ઓક્ટોબરે સુરુભા સહિત 4 માણસોને પકડી લાવી હતી. જ્યાં અન્ય 3 ને સાંજ સુધીમાં જવા દીધા હતા. પરંતુ સુરુભાને ગેરકાયદે ગોંધી રાખી પોલીસે માર માર્યો હતો.
સોમવારે સવારે સુરુભાની તબિયત લથડતાં પોલીસ તેમને ઘુમા આરોગ્ય કેન્દ્રમાં લઇ ગઈ હતી. જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે સુરુભાના મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવ્યું હતું. જેમાં પોલીસે સુરુભાને માર માર્યો હોવાથી પીઠ, પગ, છાતી, પગના તળિયે સોળ પડી ગયા હતા. તેમજ તેમને વીજ કરંટ અપાયો હતો અને પગના અંગૂઠાના નખ ખેંચી નાખ્યા હતા. સુરુભાના ભાઇ મહાવીરસિંહે શનિવારે રાત્રે બોપલ પોલીસ સ્ટેશનમાં એલસીબીના પીએસઆઈ ગોહિલ તેમજ એલસીબી અને એસઓજીના 5 પોલીસ કર્મચારીઓ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શાંતિપુરાના ફાર્મમાં ગોંધી રખાયો હતો
મારા ભાઈને શાંતિપુરાના કોઈ ફાર્મ હાઉસમાં ગોંધી રખાયો હતો. તેની હત્યા કરનારા પોલીસ કર્મચારીઓ – અધિકારી સામે ખૂનનો ગુનો ન નોંધાય ત્યાં સુધી તેની અંતિમ ક્રિયા નકરવાનું અમે નક્કી કર્યું હતું. એક અઠવાડિયા સુધી સુરુભાનો મૃતદેહ સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં રાખ્યો હતો. શનિવારે રાતે ફરિયાદ નોંધાયા બાદ રવિવારે અંતિમ ક્રિયા કરી હતી.- મહાવીરસિંહ ઝાલા, મૃતકના ભાઇ
કોણ કોણ સામેલ હતું તેની તપાસ કરાશે
મહાવીરસિંહે નોંધાવેલી ફરિયાદમાં એલસીબીના પીએસઆઈ ગોહિલ અને એલસીબી – એસઓજીના 5 કર્મચારીઓ હોવાનું લખાવ્યું છે. પરંતુ કોઇના નામ લખાવ્યા નથી. જેથી સુરુભાને મારવામાં કેટલા પોલીસ કર્મચારીઓ સામેલ હતા અને કોનો શું રોલ હતો તેની તપાસ કરી કસૂરવાર પોલીસ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવશે. -આઈ.એચ.ગોહિલ, પીઆઈ બોપલ