સૌજન્ય/વડોદરા: 16 વર્ષ પછી શહેરમાં ખાનગી સોસાયટીના આંતરિક માર્ગે સોસાયટીના 20 ટકા ફાળા સાથે સ્ટ્રીટલાઇટની સુુવિધાનો લાભ લેવાનો પ્રારંભ થયો છે.વર્ષ 2002માં તત્કાલિન મ્યુ.કમિશનર અરવિંદ અગ્રવાલના સમયમાં ખાનગી સોસાયટીઓમાં આ સુવિધા પર બ્રેક વાગી હતી.જોકે, 2012માં સરકારે સોસાયટીઅોના આંતરિક રસ્તા આરસીસીના બનાવવા માટે 80-20ની સ્કીમ મૂકી હતી. જેમાં, કુલ ખર્ચાના 80 ટકા રકમ સરકારના અને 20 ટકા જે તે સોસાયટી ભોગવે તેવુ નક્કી કરવામાં આવ્યું હતું.જેમાંયે, 10 ટકા ફાળો ગુજરાત સરકારનો, 70 ટકા ફાળો પાલિકાનો ઠરાવવામાં આવ્યો હતો. જોકે, આરસીસી રોડની સ્કીમને બહોળો પ્રતિસાદ સાંપડયો હતો અને દરેક ઝોનમાં 300થી વધુ સોસાયટીઓએ તેનો લાભ લીધો હતો.
માંજલપુરની આનંદબાગ ટેનામેન્ટે પહેલો લાભ લીધો
માંજલપુર સુુબોધનગરની પાછળ આવેલ આનંદબાગ ટેનામેન્ટના રહીશોએ 16 વર્ષ પછી આંતરિક માર્ગે સ્ટ્રીટલાઇટની સુવિધા મેળવવાનો લાભ લીધો છે. આ સોસાયટીમાં સાત મકાનો મેઇન રોડ પર છે અને સ્ટ્રીટલાઇટ ફીટીંગ માટે કુલ રૂા.921510ના ખર્ચનો અંદાજ સ્ટ્રીટલાઇટ વિભાગમાં રજૂ કર્યો હતો. જેના 20 ટકા મુજબ રૂા.18 હજાર જેટલી રકમ પાલિકામાં ચૂકવી હતી અને તેના આધારે સ્ટ્રીટલાઇટની સુવિધા બે દિવસ પહેલા ખાતમુર્હુત કરાયુ હતું.
સુવિધા માટે અરજી કરી શકાશે
સરકારની 80-20 સ્કીમ હેઠળ સ્ટ્રીટલાઇટની સુવિધા મેળવવા માટે સ્ટ્રીટલાઇટ વિભાગમાં અરજી કરવાની રહેશે. આરસીસી રોડની સ્કીમમાં એક જ વખત ખર્ચ હોવાથી તે મુજબ ખર્ચ થતો હોય છે પરંતુ સ્ટ્રીટલાઇટની સ્કીમમાં વીજબિલ ભરવાની જવાબદારી જે તે સોસાયટીની હોય છે અને તેનુ બાંયેધરીપત્ર પણ લેવુ પડે છે. જોકે, આ સ્કીમ માટે લાંબા સમયથી અરજીઓ આવી નથી.’’ – ભરત રાણા, કાર્યપાલક ઇજનેર(સ્ટ્રીટલાઇટ),પાલિકા
સ્ટ્રીટ લાઇટ મેળવવા માટે શું કરવું?
– પાલિકાના સ્ટ્રીટલાઇટ વિભાગમાંથી આ સ્કીમ માટે ફોર્મ મેળવવાનુ રહે છે.
– રજિસ્ટ્રર્ડ સોસાયટીના લેટરપેડ ઉપર આ સ્કીમ માટે તૈયાર હોવાનો પત્ર રજૂ કરવાનો છે.
– 20 ટકા ફાળાની રકમનો ડીમાન્ડ ડ્રાફટ બેન્કમાં જમા કરાવવાનો છે.
– મધ્ય ગુજરાત વીજકંપનીમાં વીજમીટર લેવાની અરજી કરવાની છે.
– બાંયેધરી આપતુ સોગંદનામુ નોટરીના સહી સિક્કા સાથે પાલિકામાં આપવાનું છે.