સૌજન્ય/નવસારી શહેરનાં પશ્ચિમ વિભાગે જલાલપોરના વર્ષો જુના થાણા તળાવ ફરતે ‘લેક ફ્રન્ટ’ (તળાવ ફરતે ગાર્ડન વગેરે) બનાવવામાં આવશે. આ કામની શરૂઆત પણ થઇ ચૂકી છે. નવસારી શહેરની બહુમતી વસ્તી આમ તો પૂર્વ વિભાગમાં વસે છે. આમ છતાં શહેરનાં પશ્ચિમ વિભાગમાં પણ 25 થી 30 ટકા વસ્તી (40 થી 45 હજાર) વસે છે. પાલિકાનાં ત્રણ વોર્ડ 1, 7 અને 8 નાં લોકો અહીં વસે છે. 25 થી 30 ટકા વસ્તી અહીં વસવાટ કરતી હોવા છતાં એક પણ ગાર્ડન નથી, મનોરંજન પાર્ક જેવું કઇ પણ નથી. હવે અહીંની પાલિકા નવસારીનાં પશ્ચિમ વિભાગમાં સૌપ્રથમ જાહેર મનોરંજન, ગાર્ડન પાર્ક બનાવી રહી છે.
નવસારીના પશ્ચિમ વિભાગે જલાલપોર વિસ્તારમાં વર્ષો જુનું થાણા તળાવ આવેલ છે. આ થાણા તળાવની ફરતે પાલિકાએ ‘લેકફ્રન્ટ’ નો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટની પાછળ અંદાજે 1.15 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવશે. સરકારી ગ્રાંટમાંથી આ ખર્ચ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. પ્રોજેક્ટ અંતર્ગત થાણા તળાવની ફરતે ગાર્ડન બનાવવામાં આવશે. વોક વે પણ બનાવવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. ઉપરાંત લોકો હળવી કસરત કરી શકે તે માટે કસરતના કેટલાક સાધનો મૂકાશે. અનેક જગ્યાએ બાકડાં પણ મૂકવામાં આવશે.
નવસારીનાં જલાલપોર વિસ્તારમાં લેકફ્રન્ટનું કામ ધમધમતું ચાલી રહ્યંુ છે. તળાવની ફરતે ગાર્ડન બનાવાતાં લોકોમાં આનંત વ્યાપી ગયો છે.
માર્ચમાં બની જવાની ધારણા
નવસારીના થાણા તળાવની ફરતે લેકફ્રન્ટ બનાવવાની કામગીરીની તો શરૂઆત પણ કરી દેવાઇ છે. અમારી ધારણા મુજબ માર્ચ 2019 અંત આ લેકફ્રન્ટ બની જશે અને લોકો માટે ખુલ્લો મુકાશે. રાજુ ગુપ્તા મ્યુનિસિપલ ઇજનેર, નવસારી પાલિકા
સ્થાનિકોને હરવા ફરવાની જગ્યા મળશે
જલાલપોરના થાણા તળાવ ફરતે નયનરમ્ય લેકફ્રન્ટ ઉભો થતાં સ્થાનિક લોકોને હરવા ફરવાની જગ્યા મળશે. નવસારીના પશ્ચિમ વિભાગમાં આ પ્રથમ જ ગાર્ડન, મનોરંજનક પાર્ક પણ બનશે. કેયુરી જયદીપ દેસાઇ, સ્થાનિક કાઉન્સિલર, નવસારી પાલિકા.
શહેરમાં આ ત્રીજો લેકફ્રન્ટ
નવસારીના પશ્ચિમ વિભાગમાં તો આ પ્રથમ જ લેકફ્રન્ટ બની રહ્યો છે પરંતુ સમગ્ર શહેરમાં આ ત્રીજો લેકફ્રન્ટ છે. પ્રથમ લેકફ્રન્ટ દુધિયા તળાવની ફરતે બનાવાયો હતો, જેને શહેરીજનોએ વખાણી હજારો લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. બીજો લેકફ્રન્ટ સરબતીયા તળાવની ફરતે બની રહ્યો છે અને આ થાણા તળાવ ફરતે ત્રીજો લેકફ્રન્ટ બની રહ્યો છે.