ગોધરા,રાજુ સોલંકી
ગોધરા, રવિવારઃ સરદાર સાહેબના એકતાના ભાવને જન જન સુધી પહોંચાડવા પંચમહાલ જિલ્લામાં પ્રથમ દિવસે ગોધરા તાલુકાના ૧૦ અને કાલોલ તાલુકાના ૧૦ ગામોમાં એકતા યાત્રા યોજાઇ હતી. જેને ગ્રામજનોનો વ્યાપક પ્રતિસાદ સાપડ્યો હતો.
ગોધરા તાલુકામાં, પ્રથમ દિવસે જીતપુરાથી પ્રારંભ થયેલી એકતા યાત્રા રતનપુર (રે) ખાતે વિરમી હતી. ગામે ગામ ગ્રામજનોએ યાત્રાના રથનું સ્વાગત કર્યું હતુ. બાલિકાઓ અને મહિલાઓએ આરતી ઉતારી સરદાર વલ્લભભાઇની પ્રતિમાને ભાવથી ફુલહાર પહેરાવ્યા હતા. ઉપસ્થિત જિલ્લા-તાલુકાના પદાધિકારીઓએ સરદાર સાહેબના જીવન કાર્યો, આઝાદીની લડતમાં ભજવેલી ભુમિકા અને આઝાદી પછી દેશને એક સુત્રે બાધવાના કાર્યોની જાણકારી આપી હતી. તેમજ દેશની એકતા અને અખંડિતતાને મજબુત બનાવવા જણાવ્યું હતું.
ગ્રામજનોએ દેશની એકતા અને અખંડિતતાના શપથ લેવા સાથે પોતાના પ્રતિભાવો નોંધાવ્યા હતા. છેલ્લા રતનપુર રેલિયા ગામે યોજાયેલી યાત્રામાં ખેડૂત સભા યોજી કૃષિ, બાગાયત અને પશુપાલન યોજનાઓની જાણકારી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી.
કાલોલ તાલુકામાં, વેજલપુર ગામેથી આરંભાયેલી એકતા યાત્રાએ ડેરોલ ગામ ખાતે રાત્રિ નિવાસ કર્યો હતો. જિલ્લામાં, પ્રથમ દિવસે કુલ ૨૦ ગામોમાં બે રથ દ્વારા ફરેલી એકતા યાત્રામાં ૮૫૦૦થી વધુ લોકો જોડાયા હતા.