સૌજન્ય/સોમનાથઃ દશેરાના પર્વે સોમનાથ દાદાના દર્શને આવેલા પંજાબી પરિવારના સભ્યો દરિયામાં નાહવા પડતાં 6 સભ્યો ડૂબ્યા હતા. જેમાંથી 2નાં મોત થયા છે. પંજાબ, પતિયાલા અને ગોરખપુરથી ગુજરાત ફરવા આવેલા અને સોમનાથ દાદાના દર્શને ગયેલા 6 પિતરાઈ ભાઈ-બહેનને દશેરાના શુભ પર્વે કાળ મળ્યો. મહાદેવના દર્શન કર્યા બાદ 6 ભાઈ-બહેન દરિયામાં નાહવા પડ્યા હતા. જોત જોતમાં મોટા મોજામાં ડૂબવા લાગ્યા હતા, જેમાંથી બે ભાઈ-બહેન તાણમાં દૂર જતા રહેતા તેઓના ડૂબવાથી મોત થયા હતા.
જો કે દરિયા કિનારે ઉભેલા સ્થાનિક લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બંને ભાઈ-બહેનો હાથમાં ન આવતા તેઓ ડૂબી ગયા હતા. બંનેમાંથી 19 વર્ષીય સવિતા પાંડે નામની યુવતીના લાશ મળી આવી છે. પરંતુ હજુ સુધી 16 વર્ષીય કાર્તિક પાંડેની લાશ લાંબી શોધખોળ બાદ પણ પોલીસને હાથે લાગી નથી. સ્થાનિક પોલીસ પંજાબમાં રહેતા પરિવારનો સંપર્ક સાધી વિગતે માહિતી આપી છે.