સૌજન્ય/-સને 1999 પહેલાં જ્યાં મોળા,ક્ષારયુક્ત અને ભારે પાણીને કારણે નવસારીની મોટી સમસ્યા ‘પાણી’ હતી. ત્યાં હવે 19 વર્ષ બાદ પૂન: અપૂરતા પાણીને કારણે શહેરની મોટી સમસ્યા ‘પાણી’ જ બની ગઇ છે.
ભૂતકાળમાં નવસારી શહેર ‘પાણી’ ને લઇને બહુ જ વગોવાતું હતું. સને 1999 પહેલાં (જ્યારે મધુર પાણી યોજના શરૂ ન થઇ ત્યારે) નવસારી પાલિકા શહેરીજનોને બોરીંગનું પાણી આપતી હતી. તે સમયે શહેરનું પાણી સારું ન હતું. પાણીનો સ્વાદ તો મોળો હતો સાથે ક્ષારયુક્ત અને પાણી ભારી પણ હતું. સરકારી પરિક્ષણોમાં તે સમયનું પાણી ‘યોગ્ય’ ન હોવાનું પણ જણાવાતું હતું. આમ છતાં નાછુટકે પાલિકા બોરીંગનું જ પાણી આપતી હતી. કહેવાય છે કે એ સમયે પાણીને લઇને ‘દાળ’ ચડવામાં પણ તકલીફ પડતી હતી. એવો કટાક્ષ પણ કરાતો કે પાણીને લઇને છોકરીનો પિતા દિકરીને નવસારી પરણાવતા પણ વિચાર કરતો હતો. જોકે સને 1999 માં શહેરમાં મધુર પાણી યોજના કાર્યાનિર્વિત થઇ અને પાણીની આખી વાત જ બદલાઇ ગઇ! નહેરનું પાણી શહેરનાં તળાવમાં ઠાલવી ફિલ્ટર કરી પાલિકા આપતા મહત્તમ લોકોને (કેટલાકને બાદ કરતાં) મીઠું, શુદ્ધ પાણી મળવા લાગ્યું. લગભગ 18-19 વર્ષ શહેરમાં પાણીની મોટી સમસ્યા (છુટીછવાઇ જરૂર રહી) રહી ન હતી.
જોકે હવે 18-19 વર્ષ બાદ પૂન: નવસારી શહેરમાં પાણીની સમસ્યા જ ‘મોટી’ બની ગયાનું જણાઇ રહ્યું છે. શહેરની આખીય મધુર જળ યોજના ‘ડેમ’ આધારિત હોય ગત વર્ષથી ડેમમાં પાણી ઓછું હોય નવસારી શહેરને પણ પાણી ઓછું મળી રહ્યું છે.
ડિસેમ્બરથી પાણી ઓછું મળતાં સ્થિતિ કપરી બની છે, જે આજદિન સુધી જારી જ છે. લગભગ 10-11 મહિનાથી સમયાંતરે પાણીકાપ મૂકવામાં આવી રહ્યો છે. હાલ પણ તળાવમાં પાણી ઓછું થઇ જતા પાણીકાપ મૂકી પાલિકા શહેરીજનોને રોજ બે ટાઇમની જગ્યાએ એક જ ટાઇમ પાણી આપી રહી છે. એ વાત પણ નોંધનીય છે કે પાણીની સમસ્યા હળવી કરવા પાલિકાએ શહેરનાં ચાર તળાવોને જોડવાનો નિર્ણય પણ લીધો છે. જે કાર્યરત થતાં પણ ખાસ્સો સમય જશે!
દુધિયાતળાવમાં પૂન: નહેરનું પાણી લોપ્રેશરથી આવવાનું શરૂ. તસવીર-ભદ્રેશ નાયક
લોપ્રેશરથી નહેરનું પાણી મળ્યું
નવસારીમાં પાણીની ગંભીર સ્થિતિમાં હાલ થોડી રાહત પણ થઇ છે. આમ તો રોટેશન 23 મીથી શરૂ થનાર હતું. પરંતુ નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઇની રજૂઆતને લઇને છેલ્લાં બે દિવસથી લો પ્રેશરથી નહેરનું પાણી તળાવમાં ઠલવાઇ રહ્યું છે.
હાંસાપોરથી પાણી મેળવવાની તૈયારી
સ્થિતિ ગંભીર બનતા પાલિકાએ વિકલ્પો વિચારવા માંડ્યા છે. અગાઉની જેમ હાંસાપોર તળાવમાંથી પાણી મેળવવા પત્ર લખાયાની જાણકારી મળી છે.
સમસ્યા ગંભીર છે
નવસારીમાં હાલ પાણીની સમસ્યા ગંભીર બની એ સાચી વાત છે. જોકે કેનાલનું પાણી પૂરતું ન મળતાં આ સમસ્યા સર્જાઇ છે. ત્રિભોવન ચાવડા ચેરમેન, પાણી સમિતિ, નવસારી પાલિકા.