સૌજન્ય/સુરતઃ ઓલપાડ તાલુકાના ભાંડુત ગામ છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાએ ચડ્યું છે. સુરત મહાનગરપાલિકાની ડપિંગ સાઈટ ત્યાં બનાવવાનો વિરોધ કરી રહેલા ગ્રામવાસીઓએ આજે નવતર કાર્ય હાથ ધર્યું છે. ભાંડુત ગામના તળાવની તૂટી ગયેલી પાળ લોકોએ કોઈપણ સરકારી સહાય વિના જાત મહેનતથી શ્રમદાન કરીને બનાવવાની શરૂ કરી છે.
પાળ બનાવવાથી સિંચાઈના પાણીનો સંગ્રહ થઈ શકશે
ભાડુંત ગામની સીમમાં આવેલા બ્લોક નંબરહ 55માં ગ્રામજનો તળાવના તૂટી ગયેલ પાળા બનાવવાનું શરૂ કર્યું છે. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, અનેક રજૂઆત છતાં સરકાર દ્વારા પાળ નહીં બનાવાતા ગ્રામજનોએ જાતમહેનતે પાળ બનાવવાની શરૂઆત કરી છે. બ્લોક નંબર 55ની જગ્યામાં પાળ બનાવવામાં આવી રહી છે. પાળ બનાવવાથી સિંચાઈના પાણીનો સંગ્રહ થઈ શકશે.
લોકો ઘરેથી ભાથું લઈને આવ્યા
ભાંડુત ગામના રહેવાસીઓ દ્વારા શ્રમયોગના નિર્ણય સાથે જમવાનું પણ ઘરેથી લાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે સવારે 200થી વધુ લોકો જમવાનું સાથે લઈને આવ્યા છે. અને જાત મહેનત ઝિંદાબાદના નારા સાથે તળાવની પાળ બનાવવાનું કામ શરૂ કર્યું છે. શ્રમયોગમાં બાળકોથી લઈને વૃદ્ધો પણ જોડાયા છે.
ભાંડુત ખાતે ડપિંગ સાઈડ બનાવવાને લઈને ચાલી રહ્યો છે વિવાદ
સુરત પાલિકા દ્વારા ભાંડુત ખાતે ડપિંગ સાઈડ બનાવવાને લઈને વિવાદ ચાલી રહ્યા છે. જેને લઈને ગ્રામજનો દ્વારા મોટી સંખ્યામાં રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હતો. અને ક્લેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ડપિંગ સાઈડની વિરોધમાં ગ્રામજનો એક થયા હતા. દરમિયાન આજે ફરી લોકો એક થઈ જાત મહેનતે પાળ બનાવવાનું શરૂ કર્યું છે.