સૌજન્ય/અમરેલી: સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુને બદનામ કરવાનું ષડયંત્ર કરી રૂા. 2 કરોડ જેવી તગડી રકમ પડાવવાનો આ કારસો અમરેલીમાં ઘડાયો હતો. વેરાવળ તાલુકાના સોમનાથમાં આવેલા સ્વામીનારાયણ ગુરૂકુળમાં સેવા-પૂજા કરતા સ્વામિ સુર્યપ્રકાશદાસજી ગુરૂ સ્વામી હરિપ્રકાશદાસજીએ આ બારામાં અમરેલીમાં ચક્કરગઢ રોડ પર રહેતા બિપીન બોઘરા ઉર્ફે ભૂરો અને રંગપુર ગામના પ્રતાપ કાછડીયા નામના શખ્સ સામે અમરેલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. તેમાં તેમણે જણાવ્યુ છે કે તેઓ મુળ જુનાગઢ સ્વામિનારાયણ ગુરૂકુળના છે અને સેવા-પૂજા અને ભજન-કિર્તન ઉપરાંત વિદ્યાર્થીઓને ઉપદેશ આપે છે.
ત્રણ માસથી રકમ પડાવવા કરતા હતા પ્રયાસ
આ બન્ને શખ્સોએ ગત તા. 17/6/18 ના રોજ તેમના મોબાઇલ પર વોટ્સએપ મેસેજ કરી તેમને બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યુ હતું. એકાદ માસ પહેલા તેમના કથાના સ્થળે આવીને મેસેજ કરી રૂબરૂ મળવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં તેમણે દાદ ન દેતા ગત તા. 21/9 ના રોજ બિપીન બોઘરાએ ફોન કરી મે તમને ઘણા વોટ્સએપ મેસેજ આપ્યા પણ જવાબ આપતા નથી, મારી પાસે તમારા એક છોકરી સાથેના ફોટા છે. જે વાયરલ થવા દેવા ન હોય તો રૂા. 60 લાખ આપવા પડશે તેવી ધમકી આપી હતી. તેણે આ સાધુને અને સંપ્રદાયને બદનામ કરવાની ધમકી પણ આપી હતી.
તેમણે આ ઘટના અંગે આખરે ગુરૂકુળના અન્ય સ્વામિ ભક્તિપ્રદાસદાસજીને વાત કરતા તેમણે પણ એવુ જણાવ્યુ હતું કે મારા મોબાઇલ પર રંગપુરના પ્રતાપ કાછડીયાએ કોલ કરીને એવુ જણાવ્યુ છે કે સ્વામિ સૂર્યપ્રકાશજીના એક સ્ત્રીના ફોટા ભુરા પાસે છે. જે વાયરલ ન થવા દેવા હોય તો બધુ પતાવવા રૂા. બે કરોડ આપવા પડશે. આમ સ્વામીસૂર્યપ્રકાશદાસજીના મહિલા સાથેના ફોટાને લઇને બન્ને સ્વામી પાસેથી આ શખ્સોએ રૂા. 2 કરોડની ખંડણી મંગાઇ હતી. જે અંગે પોલીસે ગુનો નોંધ્યો છે.
બન્ને આરોપીઓની ધરપકડ કરાઇ
ગુરૂકુળના સ્વામિએ અમરેલી સીટી પોલીસ મથકમાં બન્ને શખ્સો સામે ફરીયાદ નોંધાવતા ઇન્ચાર્જ સીટીપીઆઇ એમ.એ. મોરી તથા સ્ટાફે મુળ લીલીયામાં ગાયત્રી સોસાયટીમાં રહેતા અને હાલમાં ચક્કરગઢ રોડ પર સંસ્કાર એપાર્ટમેન્ટમાં ફ્લેટ નં. એ/404 માં રહેતા બીપીન ઉર્ફે ભુરો રમેશ મુળજી બોઘરા તથા રંગપુરમાં સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા પ્રતાપ પરશોતમ કાછડીયાની ધરપકડ કરી છે.
17/6 થી 21/9 સુધી વારંવાર સંપર્ક કર્યો
તા. 17/6 ના રોજ ભુરાએ સ્વામીસૂર્યપ્રકાશજીના વોટ્સએપ પર મેસેજ કરી બાદમાં ડીલીટ કરી નાખ્યા હતાં. તા. 24/6 ના રોજ પણ મેસેજ લખીને ડીલીટ કર્યા હતાં. આ ઉપરાંત તા. 18/9, 20/9 અને 21/9 ના રોજ સતત મેસેજ કરી સ્વામિને રૂબરૂ મળવા મજબુર કરવાનો પ્રયાસ કર્યો હતો.