સૌજન્ય/છોટાઉદેપુરઃ બોડેલી તાલુકાના ઉંચાપાણ ગામે રાત્રે દીપડો કૂવામાં પડ્યો હતો. જેની જાણ ગ્રામજનોને સવારે થતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કેટલાકે હિંમત કરીને કૂવા પાસે જઈને દીપડાને અંદર જોયો હતો. જોકે જંગલ ખાતા દ્વારા રેસ્ક્યુ કરીને દીપડાને બહાર કાઢીને લઈ જતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.
બોડેલી નજીક ઉંચાપાણ ગામમાં કૂવામાં પડેલા દીપડાને કરાયો રેસ્ક્યુ
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અંતરિયાળ ગામ ઉંચાપાણ ગામે માળ ફળિયામાં દીપડો કૂવામાં પડ્યો હતો. સવારે કૂવા પાસેથી કોઈક ઇસમે કૂવામાં થતા અવાજને લઈને જોયું તો પાઇપ પકડીને દીપડો લટકેલો હતો. કૂવામાં દીપડો હોવાની વાત વાયુ વેગે ગામમાં ફેલાતા ગ્રામજનોના જીવ તાળવે ચોંટી ગયા હતાં. કેટલાક યુવાનોએ હિંમત કરીને કૂવા પાસે જઈને જોયું તો દીપડો કૂવામાં ખાબકેલો હતો અને ટ્યુબવેલના પાઇપ પર લટકેલો હતો. આ અંગે પાવીજેતપુર ફોરેસ્ટ અધિકારીને જાણ કરાતા ઘટના સ્થળે આવીને દીપડાને દોરડે બાંધીને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. દીપડાને બહાર કાઢીને લઈ જવાયો હતો, ત્યારબાદ ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. આ વિસ્તાર જંગલ પાસે હોવાથી જંગલી પ્રાણીઓ ગામમાં ગમે ત્યારે પ્રવેશતા હોવાથી ગ્રામજનોમાં ફફડાટ વ્યાપેલો જોવા મળે છે.