સૌજન્ય-સુરત: સુરતમાં બાળકીઓ સાથે દુષ્કર્મની ઘટનાઓ જે રીતે બની રહી છે તેના પરથી લાગે છે સુરત શહેર જાણે બાળકીઓ માટે સુરક્ષિત નથી. સુરતમાં છેલ્લા એક મહિનામાં 5 બાળકીઓ સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. બળાત્કારનો ભોગ બનેલી ડિંડોલીની બે દીકરીઓ પૈકી એક હજુ પણ સ્મીમેરમાં આઇસીયુમાં સારવાર હેઠળ છે.
ચાલુ વર્ષે 12 બાળકીઓ સાથે દુષ્કર્મ અને ત્રણની હત્યા
ચાલુ વર્ષે કુલ 12 બાળકીઓ સાથે દુષ્કર્મ કરાયું છે. જેમાં ત્રણની હત્યા કરાઈ છે. જ્યારે અન્ય એક ત્રણ વર્ષની બાળકીની હત્યા કરાઈ છે અને આ અભાગી બાળકીની તો ઓળખ પણ નથી થઈ. પોલીસે આ મામલે હજુ સુધી કોઇ પગલા લીધા હોય તેવું જણાતુ નથી. જેથી તેની સામે પણ રોષ ફેલાયો છે.
કેસ-1: બે વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરી રેલવે ટ્રેક પર છોડી નાસી ગયો
18 સપ્ટેમ્બરના રોજ ઉધનામાં રોડ નંબર 0 પર સંજયનગરમાં રહેતા શ્રમજીવી પરિવારની 2 વર્ષની બાળકી ઘરની બહાર રમતી હતી.ત્યારે અજાણ્યો તેનું અપહરણ કરી ગયો અને રેલવે ટ્રેક પર દુષ્કર્મ કરીને છોડીને નાસી ગયો હતો. ઉધના પોલીસ અને ક્રાઈમબ્રાંચને પણ કોઈ ચોક્કસ કડી મળતી નથી. અત્યાર સુધીમાં 10થી વધુ યુવકોને શંકાના આધારે ઉંચકી લાવી તપાસ કરી રહી છે. બાળકીના પિતાની કેબીનમાં જ નરાધમે દારૂ પીધો ઉપરથી ત્યાં નાસ્તો કર્યો હતો. બાદમાં નશામાં જ નરાધમે 2 વર્ષની બાળકીને લાલચ આપી અપહરણ કરી રેલવે ટ્રેક નજીક ઝાંડીમાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું. પોલીસે નરાધમનો સ્કેચ જારી કરી આજુબાજુની ઝુપડપટ્ટીઓ તેમજ શ્રમ વિસ્તારમાં તપાસ કરી જેમાં પણ પોલીસને કોઈ કડી મળતી નથી. ખાસ કરીને સીસીટીવી કેમેરા અને મોબાઈલ સર્વલન્સના આધારે ગુનો ઉકેલતી ક્રાઈમબ્રાંચ પણ આ કેસમાં મુઝવણમાં મુકાય ગઈ છે.
કેસ-2: બે બાળકીઓ સાથે દુષ્કર્મ, એક આઈસીયુમાં છે
29-30 સપ્ટેમ્બરની રાત્રે ડિંડોલીમાં 5-5 વર્ષની બે બાળકીઓ સાથે દુષ્કર્મ કરાયું હતું. બંનેમાં પોલીસે આરોપીઓને પકડી લીધા હતા. જેમાં એક બાળકી પર દુષ્કર્મ આચરનાર ખુદ તેનો ભાઈ જ નીકળ્યો હતો. અન્ય બાળકી હજી આઈસીયુમાં છે. બંને બાળકીઓને ઉંચકી જવામાં આવી હતી. જ્યારે સ્મીમેર ખાતે બાળકીની સારવાર કરનારા એક તબીબે જણાવ્યું હતું કે, તેને મોઢાના ભાગે અલગ અલગ જગ્યાએ બચકા ભર્યા હોવાથી હોઠ ચીરાઈ ગયો છે. કપાળના ભાગે ઈજાઓ થયેલી છે. તેમજ ગુપ્તાંગના ભાગે ઈન્ટર્નલ 7 સેમી સુધી ગંભીર ઈજા થઈ હોવાથી મળ માર્ગ ફાટી ગયો છે. ચાર કલાક સુધી બાળકીની સર્જરી કરવામાં આવી હતી. હાલ બાળકીની સ્થિતિ સ્થિર છે પણ હજુ કઈ કહી શકાય નહી.
કેસ-3: ખાનગી હોસ્પિટલના લેબ ટેક્નિશીયનને 12 વર્ષની બાળકીના હાથ-પગ બાંધી આચર્યું દુષ્કર્મ
30 સપ્ટેમ્બરના રોજ રાત્રે અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશન સામે ગાંધી બાગમાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરાયું હતું. જેમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. શહેરનાં ઈચ્છાનાથ વિસ્તારમાં બે ટોળાં સામે-સામે આવી જતાં ઘટનાનાં મૂળમાં બાળખી સાથે દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું હતું. કિશોરીને તેનાં ફેસબુક ફ્રેન્ડે મળવા બોલાવી હતી. નક્કી કરેલાં સ્થળે તેનો મિત્ર લેવા માટે આવ્યો ન હતો. તેનાં બદલે વરાછાની ખાનગી હોસ્પિટલના લેબ ટેક્નિશીયન તરીકે કામ કરતો 24 વર્ષીય સાગર નામનો વ્યક્તિ તેને લેવા આવ્યો હતો. કિશોરીને મિત્ર ઘરે મળશે તેમ કહીંને સાગર તેનાં ઘરે લઈ ગયો હતો. જ્યાં સાગરે કિશોરીનાં હાથ-પગ બાંધીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. કિશોરીએ આ ઘટનાની પરિવારનાં લોકોને કરતાં આ મામલે વાતચીત કરવા માટે ફેસબુક મિત્રોનાં પરિવારજનો અને લોકો રસ્તા પર એકત્ર થયા હતાં. જ્યાં ગુનાની ગંભીરતા જોઈને કિશોરીના પરિવારનાં લોકોએ જાહેરમાં યુવકે માર માર્યો હતો.
કેસ-4: સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ પછી યુવકે હત્યા કરી કોથળામાં લાશ ભરી ઉપર ડોલ મૂકી દીધી
લિંબાયતના ગોડાદરા વિસ્તારમાં સાડા ત્રણ વર્ષની માસૂમ બાળકીના દેહને ચૂંથી તેનું ગળું દબાવી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હોવાનો અરેરાટીભર્યો બનાવ બન્યો હતો. શનિવારે રાત્રે આઠથી સાડા આઠ વાગ્યાના સમયગાળામાં ગુમ થયેલી બાળકીનો હત્યા કરાયેલો મૃતદેહ સોમવારે સાંજે 4 વાગ્યે મળ્યો હતો. બાળકીનો પરિવાર જે મકાનમાં રહે છે તેની નીચેના જ રૂમમાંથી પ્લાસ્ટિકના કોથળામાં પેક કરેલો મૃતદેહ મળ્યો હતો. નરાધમે સાડા ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ પછી યુવકે હત્યા કરી કોથળામાં લાશ ભરી ઉપર ડોલ મૂકી દીધી હતી. આ મકાનમાં રહેતા અનિલ યાદવ (18થી 20 વર્ષ) પણ રહસ્યમય સંજોગોમાં ગુમ હોવાથી પોલીસ હાલ તેને શકમંદ તરીકે જોઈ રહી છે અને તેને પકડી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યાં છે.