સૌજન્ય/સુરતઃ આઠમનાં દિવસે છેલ્લા બે દાયકાથી વરાછામાં કડવા પાટીદાર સમાજનાં કુળદેવી ઉમિયા માતાજીની મહાઆરતી યોજાય છે. હજારો ભક્તો હાથમાં દીવડા લઇને માતાજીની આરતી કરે છે. બુધવારે અંદાજે 15 હજાર ભાવિકોએ એકસાથે માતાજીની આરતી કરી હતી. મશાલધારીઓઓ ગણતરીની મિનિટોમાં જ 15000 જેટલા દીવડા ઝગમગાવી દીધાં હતાં. ત્યારબાદ આરતી શરૂ થઈ. આજૂબાજુના તમામ બિલ્ડિંગમાં પણ શ્રદ્ધાળુઓ દીવડા લઇને માતાજીને વધાવતા માહોલ દિવ્ય બન્યો હતો.
માથે સાત બેડા મૂકિને ગરબે ઘુમતી બહેનો
ઉમિયા માતાજીની હજારો દીવડાની પરંપરાગત આરતી ઉતાર્યા બાદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આવેલા માઈભક્તોએ ગરબે ધુમવાનો લ્હાવો લીધો હતો. ઉમિયા માતાજીના દરબારમાં પરંપરાગત રીતે લેવાતા રાસ ગરબામાં બહેનોનો બેડા રાસ ભારે આકર્ષણ જમાવે છે. આ રાસમાં બહેનો એક પર એક એમ સાત બેડા મૂકિને ગરબે ઘુમતી જોવા મળે છે.
માત્ર દીવડાનાં પ્રકાશમાં જ આરતી કરવામાં આવે છે
સુરતમાં છેલ્લા બે દાયકાથી ઉમિયા ધામમાં થતી મહાઆરતીનું મહત્વ વર્ષ દર વર્ષ વધતું જ જાય છે. શ્રધ્ધાળુઓએ પોતાનાં હાથમાં અંદાજે 15,000થી પણ વધુ દીવડા સાથે મહાઆરતીમાં લોકો ભાગ લે છે. જો કે જ્યારે આ મહાઆરતીની શરૂઆત થાય ત્યારથી જ તમામ લાઇટસ બંધ કરી દેવામાં આવે છે અને માત્ર દીવડાનાં પ્રકાશમાં જ આરતી કરવામાં આવે છે.
15000થી પણ વધુ દીવડાઓ મિનિટોની અંદર સળગી જાય છે
બધા દીવડાઓને એક સાથે પ્રગટાવી શકાય એ માટે પટાંગણમાં થોડા-થોડા અંતરે સળગતી મશાલ લઇને સ્વયંસેવકો ઉભા હોય છે. 15,000થી પણ વધુ લોકો હોવા છતા આ શ્રદ્ધાના ધામમાં કોઇ અવ્યવસ્થા સર્જાતી નથી. ઉમિયા ધામમાં એકસાથે અંદાજે 15000થી પણ વધુ દીવડાઓ મિનિટોની અંદર સળગી જાય છે. આરતી થયા બાદ તમામ દીવડાઓની વ્યવસ્થા બાલ્કનીમાં મોટાં વાસણો મૂકવામાં આવે છે. સમિતિના સભ્યો ભક્તોના હાથમાં દીવડાં લઈને તે વાસણમાં મૂકે છે અને પછીની દસ મિનિટ પછી માતાજીના ગરબા શરૂ થાય છે.
ગરબા લઇને ઘુમતી મહિલાઓનું દ્રશ્ય વાતાવરણને ભક્તિમય બનાવે છે
છેલ્લા કેટલાક વર્ષોથી શેરી ગરબાનું સ્થાન પાર્ટી પ્લોટોએ લીધું છે તેમ છતાં પણ ઉમિયા ધામમાં મહિલાઓએ પરંપરાને જાળવી રાખી છે. બે ગરબા રાખીને લોકો ઘુમતા હોય છે. ઉમિયા ધામમાં મહિલાઓ ભક્તિભાવ સાથે માતાજીના ગરબાના તાલે મનભરીને ઝુમે છે. મોટી સંખ્યામાં તાંબાના ગરબા લઇને ઘુમતી મહિલાઓનું દ્રશ્ય વાતાવરણને ભક્તિમય બનાવે છે.
સુરતમાં કેવી રીતે બન્યું મા ઉમિયા માતાનું મંદિર
પાટીદારોએ સુરતના આંગણે મંદિર બનાવવાનો નિર્ધાર કર્યો અને વર્ષ 1991માં સુરતમાં ઉમિયા માતાના મંદિર માટે કામગીરીનો પ્રારંભ થયો હતો. રાજસ્થાનના બંસી પહાડપુરાના પથ્થરમાં માઉન્ટ આબુ પાસેના પીંદવાડા ખાતે કોતરણી કામ કરાવીને આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વર્ષ 1999-2000માં ઉમિયાધામની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ત્યારથી જ આ ધામનો એક હેતુ ભક્તિની સાથે સેવાનો પણ રહ્યો હતો. ઉમિયા ધામ પરિવાર ટ્રસ્ટ દ્વારા ભૂકંપ કે રેલ વખતે રાહત છાવણીઓ ચલાવવામાં આવે છે. ઉપરાંત અસરગ્રસ્તોને ફુડ પેકેટ કે વસ્ત્રો સહિતની ચીજવસ્તુઓ આપવામાં આવે છે. ઉપરાંત વ્યસનમુક્તિ માટેના કેમ્પ, રકતદાન શિબિરોનું પણ આયોજન કરવામાં આવે છે.