સૌજન્ય/અમદાવાદ: દિવાળી પછી શહેરભરમાં મીટરથી પાણી આપવાની મ્યુનિસિપલ કોર્પોરેશને યોજના બનાવી છે અને આ માટે ટૂંક સમયમાં વોટર પોલિસી જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. 30 વર્ષ જૂના બાંધકામમાં પાણીની લાઈનના રિપેરિંગ માટે બીયુ પરમિશન નહીં માંગવાની જોગવાઈનો નવી પોલિસીમાં સમાવેશ કરવામાં આવે તેવી પણ શક્યતા છે. નવી આવનારી વોટર પોલિસીમાં ગેરકાયદે જોડાણ ધરાવનારા સામે આકરી કાર્યવાહીનો પણ સમાવેશ કરાશે.
નવી વોટર પોલિસી તૈયાર કરવા અધિકારીઓને સૂચના અપાઈ
વોટર સપ્લાય કમિટીના ચેરમેન રશ્મિકાન્ત પટેલ અને પૂર્વ મેયર મીનાક્ષી પટેલના જોધપુર વોર્ડમાં 24 કલાક પાણી આપવાની યોજના અગાઉ જાહેર થઈ હતી પરંતુ હજુ સુધી તેનો અમલ થઈ શક્યો નથી. કમિટીના ચેરમેન બદલાતા જ પોલિસી બદલવાની વાતો થાય છે પણ નક્કર કામગીરી થતી નથી. વોટર સપ્લાય કમિટી બાદ ચેરમેન રશ્મિકાન્ત પટેલે નિર્દેશ આપ્યો હતો કે, આગામી દિવસોમાં નાગરિકોને પાણી પૂરૂં પાડવા અંગે નવી વોટર પોલિસી ઘડાશે. આ માટે દિવાળી પહેલા વોટર નીતિ ઘડવા અધિકારીઓને સૂચના અપાઈ છે. 2015ના વર્ષમાં ટી. પી.- 88માં આપેલી નોટિસોનું હજુ સુધી કોઈ જ ફોલોઅપ કરાયું નથી અને કોઈ અમલ કરાયો નથી. ટાઈટલ ક્લીયર હોય તેવા કેસોનો અભ્યાસ કરાશે. દરમિયાન પાણીના પ્રેશર સહિતની સમસ્યા મુદ્દે સભ્યોને બોલવા દેવામાં ન આવતા હોવાની ફરિયાદ છે..