Proud of Gujarat
GujaratFeaturedINDIA

કલાને જીવંત રાખવા અમદાવાદના શિલ્પકાર કાંતિભાઈ પટેલે 60 કરોડની મિલકત લલિતકલા અકાદમીને ભેટ ધરી

Share

 

સૌજન્ય-અમદાવાદ: ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંત સાથે જીવનારા પદ્મશ્રી કાંતિભાઇ બી. પટેલે પોતાની અંદાજે 60 કરોડની મિલકત-જમીન અને ચીકુવાડી, દિલ્હી સ્થિત લલિતકલા અકાદમીને ભેટ ધરી દીધી છે. તેનો વિધિવત્ સ્વીકાર કરવા દિલ્હીથી અકાદમીનું એક પ્રતિનિધિ મંડળ આવ્યું હતું. અમદાવાદના એક પરા એવા ચાંદલોડિયા ખાતે 1967ના સમયગાળામાં આવીને વસેલાં, ગાંધીવિચારને વરેલાં કલાકાર-શિલ્પી કાંતિભાઈ બી. પટેલે પોતાની અંગત કમાણીમાંથી ખરીદેલી જમીન અને એની ઉપર એશિયાના સૌથી વિશિષ્ટ એવા ફાઉન્ડ્રી સહિતના સ્ટુડિયો-‘શિલ્પ-ભવન’નું નિર્માણ કર્યું.

Advertisement

આજથી બે-અઢી દાયકા પહેલાં, શુદ્ધબુદ્ધિથી કરેલાં પોતાના વસિયતનામામાં એમણે કુલ 9270 ચો.વાર ના વિસ્તારમાં ફેલાયેલી આ સમગ્ર મિલકત, જમીન-એની ઉપરનો સ્ટુડિયો અને વલસાડી ટેસ્ટના ચીકુ પકવતી આખી વાડી, જેની કિંમત આજે તો કરોડો રૂપિયામાં થવા જાય છે. આ મિલકત વેચાણથી આપવાની નહિ હોવાથી તેની વેલ્યૂએશન કઢાવી નથી પણ તેમના અંદાજ મુજબ આ મિલકતની કિંમત અંદાજે 60 કરોડ થવા જાય છે.
કાંતિભાઇએ ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંત મુજબ આગામી પેઢીના કલાકારો માટે લલિતકલા અકાદમી, દિલ્હીને ભેટ ધરી છે. આગામી પેઢીના કલાકારો માટે ભારતના પશ્વિમ વિભાગમાં ગુજરાત અને એમાંય અમદાવાદ સ્થિત આ સ્ટુડિયો લલિતકલા અકાદમીનું પ્રમુખ કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. એ રીતે પણ ગુજરાત અને ખાસ અમદાવાદ માટે આ આનંદોત્સવ છે.
તાજેતરમાં તા. 10મી ઓક્ટોબરના રોજ દિલ્હી, રવીન્દ્રભવન સ્થિત લલિતકલા અકાદમીના અધ્યક્ષ ઉત્તમજી પાચારણેએ મંત્રી રાજન ફૂલારી અને કાયદાકીય સલાહકાર મહેન્દ્રકુમાર ભારદ્વાજ સાથે શિલ્પભવનની મુલાકાત લીધી હતી અને કાંતિભાઈ પટેલ દ્વારા લલિતકળાના ઉમદા કાર્ય માટે અપાઈ રહેલી આ અમૂલ્ય ભેટનો વિધિવત્ સ્વીકાર કર્યો હતો. એક તપસ્વી કળાકારે સમાજ પ્રત્યે, પોતાની જેવા કળાકારોની આગામી પેઢી માટે પોતાનું સર્વસ્વ દાન કરીને સમાજ માટે પણ એક અનુકરણીય માર્ગ દર્શાવ્યો છે, એમ કહી એમણે કાંતિભાઈની આ દાનવૃત્તિને મુક્ત કંઠે બિરદાવી હતી. એટલું જ નહીં, તેમણે પશ્વિમ વિભાગના પ્રમુખ કેન્દ્રનું નામકરણ -‘શિલ્પભવન લલિતકલા અકાદમી કેન્દ્ર, અમદાવાદ’ તરીકે કર્યું હતું. ટૂંકસમયમાં નવોદિત અને સિદ્ધહસ્ત કળાકારો માટે વિવિધ કળાઓના કેમ્પ, સેમિનાર જેવી અનેકવિધ પ્રવૃત્તિઓથી શિલ્પભવન કેન્દ્ર ધબકતું થશે એવો નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો.

કાંતિભાઈ પટેલનો ગાંધીજીના ટ્રસ્ટીશિપના સિદ્ધાંત મુજબ નિર્ણય
અધ્યક્ષશ્રી પોતે પણ શિલ્પી છે એટલે એમણે ફાઉન્ડ્રીની સાધનસામગ્રીથી માડીને સમગ્ર સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. લલિતકલા અકાદમીના અધિકારીઓની મુલાકાત સમયે કાંતિભાઈના સ્વજનો-સ્નેહીઓ સર્વ જયશ્રીબહેન, નિરંજનભાઈ મહેતા, વાસુદેવ મહા, અમલાબહેન, જગદીશ પટેલ, ગુલાબભાઈ અને હરેશભાઈ ઉપસ્થિત રહ્યાં હતા.

9270 ચોરસવારમાં ફેલાયેલી છે મિલકત

પદ્મશ્રી કાંતિભાઈ પટેલ લગભગ 50 વર્ષ અગાઉ અમદાવાદ આવીને વસ્યા હતા. તેમને અત્યાર સુધીમાં ગાંધીજી અને સરદાર પટેલ સહિતના અનેક નેતાઓના સેકડો સ્ટેચ્યુ બનાવ્યા છે. અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં 9270 ચોરસવાર વિસ્તારમાં શિલ્પભવન સ્ટુડિયો સહિતની મિલકત આવેલી છે. તેમાં જમીન ઉપરાંત વલસાડી ટેસ્ટના ચીકુ પકવતી વાડી તથા ફાઉન્ડ્રી વગેરેનો સમાવેશ થાય છે.


Share

Related posts

ઝઘડીયા ખાતે ફ્રીડમ રનનું આયોજન કરવામાં આવ્યુ.

ProudOfGujarat

રાજપીપલા સહીત નર્મદા જિલ્લામા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે નર્મદા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન.

ProudOfGujarat

ભરૂચ : સમાજ સેવા માટે અગ્રેસર બાહુબલી ગ્રૂપ અને રુદ્ર સેનાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!