સૌજન્ય-વડોદરા: શહેર નજીક આવેલા દુમાડ ગામ નવીનગરીમાં રહેતી એક ગર્ભવતી મહિલાની 108 એમ્બ્યુલન્સમાં સફળ ડિલીવરી કરવામાં આવી હતી. જો એમ્બ્યુલન્સ સમયસર પહોંચી ન હોત તો મહિલાને તેના ઘરમાં જ ડિલીવરી થઇ ગઇ હોત.
વડોદરામાં 108 એમ્બ્યુલન્સમાં જ ગર્ભવતી મહિલાની ડીલીવરી કરાવી
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેર નજીક દુમાડ ગામમાં નવીનગરીમાં લીલાબહેન સંજયભાઇ પરિવાર સાથે રહે છે. તેઓને ગર્ભવતી હતા. અને નવમો માસ ચાલી રહ્યો હતો. ખાનગી હોસ્પિટલમાં દવા કરાવી રહેલા લીલાબહેનને તબીબોએ પણ ડીલીવરીની તારીખ આપી દીધી હતી. લીલાબહેનને છેલ્લા બે દિવસથી દુખાવો શરૂ થયો હતો. પરંતુ તેઓએ દુઃખાવાને ગંભીરતાથી લીધો ન હતો. દરમિયાન શનિવારે વહેલી સવારે એકાએક દુઃખાવો શરૂ થયો હતો. દુઃખાવો સહન કરવો તેઓ માટે અશક્ય બની ગયો હતો. તુરંત જ તેમના પરિવારજનોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા છાણી લોકેશનની એમ્બ્યુલન્સ 7ના ટકોરે દુમાડ ગામ નવીનગરીમાં પહોંચી ગઇ હતી.
ગણતરીની મિનીટોમાં પહોંચી ગયેલી એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી. વિનોદભાઇ પટેલે તુરંત જ દર્દથી પીડિત લીલાબહેનને એમ્બ્યુલન્સમાં લઇ લીધા હતા. ઇ.એમ.ટી.એ લીલાબહેનની હાલત જોતા એમ્બ્યુલન્સને હોસ્પિટલમાં લઇ જવાને બદલે દર્દીના ઘર પાસેજ ડીલીવરી કરાવવાનો નિર્ણય લીધો હતો. અને મહિલાને તેનાજ ઘર આંગણે સફળ ડીલીવરી કરાવી હતી.
લીલાબહેનની સફળ ડિલીવરી કરાવ્યા બાદ માતા અને બેબીને તુરંત જ દર્દીના પરિવારજનોના સૂચન મુજબ સુમનદીપ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હાલમાં માતા અને નવજાત બાળક હોસ્પિટલમાં તબીબી દેખરેખ હેઠળ છે. માતા લીલાબહેન અને નવજાત બાળક બંનેની તબીયત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું હતું.
નોંધનીય છે કે, અત્યાર સુધીમાં 108 એમ્બ્યુલન્સમાં અનેક મહિલાઓની ડીલીવરી કરવાના કિસ્સાઓ સામે આવ્યા છે. જેમાં એક વડોદરા નજીક આવેલા દુમાડ ગામના કેસનો સમાવેશ થાય છે. 108 એમ્બ્યુલન્સમાં ડિસ્પોજેબલ ડીલીવરી કિટ રાખવામાં આવે છે. આ કીટ વખત એક જ ડિલીવરીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. જે કીટનો લીલાબહેનની ડીલીવરી માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એમ્બ્યુલન્સમાં ઓક્સિજન તેમજ નવજાત બાળકને જન્મ બાદ આપવામાં આવતી હીટ માટેની લાઇટની પણ વ્યવસ્થા હોય છે.
દુમાડ ગામ નવીનગરીમાં દર્દથી પિડાતા લીલાબહેનની વ્હારે 108 એમ્બ્યુલન્સ ન આવી હોત તો મહિલા અને બેબી સાથે કંઇ પણ થઇ શક્યુ હોત. લીલાબહેનને શરૂ થયેલા દુખાવાને જોઇ એક તબક્કે પરિવારજનો અને નગરીના લોકો પણ મુંઝવણમાં મૂકાઇ ગયા હતા. એક સમયે નગરીના લોકોએ ખાનગી વાહનમાં લીલાબહેનને લઇ જવાનો વિચાર કરી દીધો હતો. પરંતુ, છાણી લોકેશનની 108 એમ્બ્યુલન્સ ગણતરીની મિનીટોમાં પહોંચી જતાં પરિવારજનો અને નગરીના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
108 એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી.એ લીલાબહેનની તેઓના જ ઘર આંગણે સફળ ડિલીવરી કરાવતા નગરીમાં આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. અને ઇ.એમ.ટી. વિનોદ પટેલનો આભાર માન્યો હતો. આ સાથે 108 એમ્બ્યુલન્સની સેવાની બિરદાવી હતી.