સૌજન્ય-નવસારી શહેરનાં 55 થી વધુ મુખ્ય તથા આંતરિક રસ્તાઓ અંદાજે સાડા ત્રણ કરોડ રૂપિયાનાં માતબર ખર્ચે આગામી સમયમાં ટીપટોપ કરવામાં આવશે. દશેરાથી આ કામગીરી ક્રમશ: શરૂ કરી દેવાશે. નવસારી શહેરમાં મુખ્ય માર્ગો સાથે આંતરિક માર્ગોનું મોટું નેટવર્ક છે. આ માર્ગોમાંના કેટલાક માર્ગો હાલનાં ચોમાસામાં વરસાદને કારણે ધોવાઇ ગયા છે. કેટલાક માર્ગો તો ચોમાસા અગાઉથી જ ખરાબ હતાં. આ માર્ગોને ટીપટોપ કરવાનું આયોજન આમ તો ચોમાસા અગાઉથી જ કરવામાં આવ્યું હતું પરંતુ ચોમાસાને લઇને ડામરરોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી ન હતી. હવે ચોમાસું પૂર્ણ થઇ રહ્યું હોય પાલિકા માર્ગોની કામગીરી હાથ ધરાનાર હોવાનું જાણવા મળ્યું છે.
નવસારી પાલિકાએ શહેરનાં 57 જેટલા નાના-મોટા માર્ગને બનાવવાની તૈયારી કરી દીધી છે. જેમાં કેટલાક માર્ગનું મજબૂતીકરણ, કેટલાકને રીકાર્પેટ, કેટલાક માર્ગના વાઇડનીંગનું કામ પણ કરવામાં આવશે. અંદાજે 3.51 કરોડ રૂપિયાનો ખર્ચ આ માટે કરવામાં આવશે. સરકારી ગ્રાંટમાંથી આ માર્ગો બનાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
તૂટી ગયેલ હીરામેન્શન-સ્ટેશન માર્ગ પણ બનાવાશે. તસવીર-ભદ્રેશ નાયક
ચોમાસા અગાઉ કેટલાક ન બનાવાયા
ચોમાસા પાલિકાએ જે રસ્તાઓ બનાવવાનું આયોજન કર્યુ છે તેમાં મહત્તમ ચોમાસા અગાઉ જ આયોજન કરી દેવામાં આવ્યું હતું. આમાનાં કેટલાક રસ્તા ચોમાસા અગાઉથી જ સારા ન હતા તેને ચોમાસા અગાઉ બનાવવાની પ્રબળ માંગ (ખાસ કરીને વોર્ડ નંબર-11 માં) થઇ હતી. જોકે, તે સમયે આ માંગ સ્વીકારાઇ ન હતી. જેનો વાદવિવાદ પણ થયો હતો. હવે ઉક્ત રસ્તાઓ આગામી દિવસોમાં બનશે.
ડિસેમ્બરમાં કામ પૂર્ણ થશે
આગામી ત્રણેક દિવસમાં માર્ગોનું કામકાજ શહેરમાં શરૂ થઇ જશે, જેનું મોટા ભાગનું કામ ડિસેમ્બર માસમાં પૂર્ણ પણ થઇ જવાની ધારણા છે. કર્ણ હરિયાણી ચેરમેન, પ.વ. કમિટી, નવસારી પાલિકા