ગોધરા રાજુ સોલંકી
દિવસ દરમિયાન ખેતીવાડી, પશુપાલન, સામજિક અને અન્ય કારણોસર ગ્રામ જીવન સતત વ્યસ્ત રહેતું હોય છે. સાંજ પછી થતી હળવાસના સમયે ગ્રામજનો સાથે બેસીને તેમને સરકારની પ્રજા કલ્યાણલક્ષી યોજનાઓથી સુમાહિતગાર કરી શકાય, અને વિચારોના આદાન પ્રદાનથી તેમની સમસ્યાઓનો સુખરૂપ ઉકેલ આણી શકાય તેવો રાત્રિ સભાનો ધ્યેય રહેલો છે.
પંચમહાલ જિલ્લા કલેકટરે શહેરા તાલુકાના પાદરડી ગામે રાત્રિ સભા યોજી રાત્રિ સભાના હેતુને સ્પષ્ટ કરતાં આ મુજબ કહ્યું હતું. તેમણે, રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં શરૂ કરવામાં આવેલા રાત્રિ સભાનો નવા અભિગમ વિશે જણાવતા કહ્યું કે સરકાર તમારા ઘર-આંગણે આવી છે.
ગામની મહિલાઓએ આર્થિક ઉપાર્જન માટે મહિલા ઉદ્યોગ શરૂ કરવા, ગ્રામજનોએ ખેતી માટે સિંચાઇની વ્યવસ્થા કરવા, ફળિયાઓમાં ભૌતિક સુવિધાના વિકાસ કાર્યો કરવા, ગામના આંતરિક કાચા શેરી રસ્તાઓને પાકા કરવા, એસ.ટી. બસોના ગામમાં નિયમિત આવા-ગમન કરવા, પુરતા દબાણનો વીજ પુરવઠો મળી રહે જેવા પ્રશ્નો રજુ કર્યા હતા. જેનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવા જિલ્લા કલેકટરે ખાતરી આપી હતી. તેમજ ગામના પાચ અતિકુપોષિત બાળકોને નિયમિત ભોજન કરાવવા, તબીબી તપાસ કરાવવા અને આંગણવાડીમાં મોકલવા તેમના વાલીઓને સમજૂત કર્યા હતાં.
આ પ્રસંગે, સંકટ મોચન યોજના, વિધવા સહાય, વય વંદના યોજના સમાજ કલ્યાણ વિભાગની યોજના અંતર્ગત દિવ્યાંગોને એસ.ટી. બસના પાસનું વિતરણ લાભાર્થી ગ્રામજનોને કરવામાં આવ્યું હતું.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહે પ્રધાનમંત્રી આવાસ યોજના, એકતા યાત્રા અને અન્ય યોજનાઓ વિશે વિગતે માહિતી આપી હતી.
નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ ખાસ ગ્રામ સભા અને મિશન અંત્યોદયની સમજ આપી હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીએ શૈક્ષણિક યોજનાઓ, દિવ્યાંગ વિદ્યાર્થીઓની સહાયની જાણકારી આપવા સાથે ગ્રામિણ ક્ષેત્રની વિદ્યાર્થીનીઓને તરણ સ્પર્ધાઓની આધુનિક ઢબની તાલીમ મળે તેવી રજુઆત કરતાં જિલ્લા કલેકટરે ગોધરાના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે તાલીમ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવાની ખાતરી આપી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ આરોગ્યની યોજનાઓ અને સારવાર સેવાઓની તલસ્પર્શી વિગતો આપી હતી. શહેરાના પ્રાંત અધિકારીએ જમીન માપણી, નવા સર્વે નંબર, નવી શરતમાંથી જુની શરતમાં તબદીલ થયેલા જમીન કેસોના નિકાલ, વારસાઇ કરાવવા, વિધવા સહાય, વૃધ્ધ સહાય, રાષ્ટ્રિય કુટુંબ સહાય, હક્કપત્રોના ઓનલાઇન, મતદાર યાદી સુધારણા અને મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા, કમી કરાવવા ઉપરાંત ગામ ખાતે આવનારી એકતા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લેવા ગ્રામજનોને જણાવ્યું હતું.
જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિક કલેકટર સહિત જિલ્લા કક્ષાના તમામ અધિકારીઓ, તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓ ગ્રામજનો સાથે બેસીને ભોજન લીધું હતું. રાત્રિ સભામાં ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા અને યોજનાકીય માહિતી, આપવા બદલ, સમસ્યાઓના નિરાકરણ બદલ અને જિલ્લા વહીવટી તંત્રના હકારાત્મક વલણ અંગે લાગણી વ્યક્ત કરતાં આભાર માન્યો હતો અને રાજ્ય સરકારના આ નવા અભિગમને બિરદાવ્યો હતો.