સૌજન્ય-અમદાવાદ: પોલીસે નવરાત્રિ દરમિયાન પૂર્વમાંથી દારૂ પીધેલા 27 લોકોને ઝડપી લીધા હતા. 10 લોકો દારૂ પી ડ્રાઈવિંગ કરતા હોવાથી ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો કેસ થયો છે. મહિલા ક્રાઈમ બ્રાન્ચની ડિકોય ટીમે 12 રોમિયોની પણ ધરપકડ કરી હતી.પોલીસે પૂર્વ અમદાવાદમાં ગુરુવારે રાત્રે મેગા ડ્રાઈવ યોજી 690 વાહન ચાલકો પાસેથી 1.08 લાખનો દંડ વસૂલ કર્યો હતો અને 105 વાહનો ટિડેઈન કર્યા હતા.
690 ચાલકો પાસેથી 1.08 લાખ દંડ વસૂલાયો
ગુરુવારે રાત્રે ડિકોય ટીમે અનેક જગ્યાએ વોચ રાખી 7 રોમિયો પકડ્યા હતા. જ્યારે રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 5 લોકોને પકડી પાડ્યા હતા. કુલ 12ને ઝડપી લઇ મહિલા પોલીસે ગુનો નોંધ્યો હતો. પહેલા નોરતે ડિકોય ટીમે 7 રોમિયોને પકડ્યા હતા. નવરાત્રીમાં થતી યુવતીઓની છેડતી રોકવા માટે ખાસ સ્કોડ બનાવવામાં આવી છે, જેમાં શામીલ મહિલા પોલીસ કર્મચારીઓ રાસ-ગરબાના સ્થળે ચણિયાચોળી પહેરીને રોમિયોને પકડવા જાય છે. એસજી હાઇવે તેમજ એસપી રીંગ રોડ પર દારૂ પીને નીકળતા તેમજ વાહનો ઉપર સ્ટંટ કરતા યુવાનેને પકડવા માટે ટ્રાફિક પોલીસની ટીમો દરેક ચાર રસ્તે સ્ટેન્ડ ટુ રખાઇ છે. આ સાથે એસપી રિંગ રોડ ફરતે આવેલા અવવારું રસ્તા પર પેટ્રોલિંગ વધારાયું છે.
2 દિવસમાં 5007 વાહનચાલકોને મેમો
છેલ્લા બે દિવસમાં ટ્રાફિક પોલીસે 5007 વાહન ચાલકોને મેમો આપી 746 વાહનો ટો કરવામાં આવ્યા છે. તેમજ 43 વાહન ડિટેઈન કરાયા છે. વાહન ચાલકો પાસેથી પોલીસે બે દિવસમાં 5.41 લાખનો દંડ પણ વસૂલ કર્યો છે. આ ઉપરાંત રોડ પર થતા પાર્કિંગ સામે પણ કાર્યવાહી ચાલે છે..