સૌજન્ય-સુરત: ડિંડોલીની ઘટના તાજી જ છે ત્યાં પાંડેસરા વિસ્તારમાં 8 વર્ષની એક બાળકીને અડપલાં કરવાની ઘટના બની છે. સાઇકલ ફેરવવાના બહાને 40 વર્ષીય યુવાન 8 વર્ષની બાળકીને લઈને જતો હતો તે દૃશ્ય એક ભરવાડે જોયું હતું. એ સાથે જ ભરવાડ યુવાને સમયસૂચકતા વાપરી કાંઈ અજુગતું ન બને તે વાતને કેન્દ્રમાં રાખી યુવાનને અટકાવ્યો હતો. જેથી બાળકી ઘરે પહોંચી શકી હતી.
પાંડેસરામાં સાઇકલ પર બાળકીને બેસાડી ફાયર સ્ટેશન નજીક ઝાડીમાં પહોંચેલા યુવકને જોઈ ગયો ને બનાવ અટક્યો
એક ભરવાડ યુવાનની જાગૃતિના કારણે બાળકી સાથે દુષ્કર્મ થતાં અટકી ગયું હતું. એટલું જ નહીં પણ રેપ વીથ મર્ડર જેવો ગંભીર ગુનો બનતા સહેજમાં રહી ગયો હતો. આવી જાગૃતિ અન્ય નાગરિકો પણ દાખવે એ જરૂરી છે.
પાંડેસરામાં સિદ્ધાર્થનગર, ફાયર સ્ટેશનની બાજુમાંથી એક યુવાન સાઇકલ પર 8 વર્ષની બાળકીને લઈને પસાર થઈ રહ્યો હતો. જે સરકારી સ્કૂલની પાછળ ઝાડી ઝાંખરામાં પહોંચ્યો બરોબર તે સમયે રાહદારી કાળુભાઈ ભરવાડે આ દૃશ્ય જોયું. તેમણે જાગૃતિ દાખવી, યુવાન પાસે પહોંચી જઈ તેમણે બાળકી અંગે પૂછપરછ કરી. પરિણામે બાળકી ત્યાંથી ઘરે જતી રહી પણ યુવાનને જવા દેવાયો નહીં. તેણે તો કાંઈ નથી કર્યું તેવું જ રટણ ચાલુ રાખ્યું હતું. આખરે મામલો પાંડેસરા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.
તપાસનીશ અધિકારી પીએસઆઇ દેસાઇએ કહ્યું કે અમરોલી કોસાડ આવાસમાં રહેતો હિમાંચલ ગંધામુદુલી (ઉ.વ.40) મની એક્સચેન્જની કામગીરી માટે પાંડેસરા વિસ્તારમાં આવ્યો હતો. તે 8 વર્ષની બાળકીને સાઇકલ પર લઈ જઈ ફાયર સ્ટેશન નજીક સરકારી સ્કૂલ પાસેની ઝાડીમાં પહોંચ્યો ત્યાં કાળુભાઈ ભરવાડ પહોંચી ગયા અને ગંભીર ગુનો બનતા અટકી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ ઘર આંગણે બે બહેનો રમતી હતી. જેમાં 10 વર્ષની મોટી બહેન સાઇકલ પર જવા તૈયાર થઈ નહીં પણ 8 વર્ષની બહેન તૈયાર થઈ ગઈ. મોટી બહેનની હાજરીમાં જ નાની બહેનને સાઇકલ પર લઈ જવાઇ હતી. નોંધનીય છે કે, હાલમાં ડિંડોલીમાં બે બાળકી પર બળાત્કારની ઘટના સામે આવી હતી.