અમદાવાદ: છારાનગર વિસ્તારમાં પેવર બ્લોક નાંખવા બાબતે બે પરિવાર વચ્ચે બુધવારે સાંજે ઝઘડો થયો હતો. જેમાં બે પરિવારના સભ્યો સામ સામે ઝઘડતા એક પરિવારના પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવકને પડોશી પરિવારે ઢોર માર મારી પેવર બ્લોક મારતા તેને છાતીના ભાગે વાગ્યો હતો. જેમાં તેનું મોંત નિપજતા સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસ કોન્સ્ટેબલનું મોત
છારાનગર ફ્રી કોલોની પાણીની ટાંકી પાસે બુધવારે સાંજે 5 વાગ્યાની આસપાસ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેવર બ્લોક લગાવવામાં આવી રહ્યા હતા. જેમાં બે પડોશી પરિવાર વચ્ચે પહેલા પોતાના ત્યાં પેવર બ્લોક લગાવવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા બંકિમચંદ્ર કનુભાઇ ઇન્દ્રેકરનું મોત નિપજ્યુ હતું. કોર્પોરેશનના કર્મચારીઓ બંકિમચંદ્રના ઘર પાસે પેવર બ્લોક લગાવી રહ્યા હતા.
ત્યારે તે ઘરમાં હતા. તે દરમિયાન પડોશમાં રહેતા વિજય ઉર્ફે બિરજુ કિરણ ગારંગે, પ્રહલાદ ગારંગે અને નરાબેન ગારંગે પરિવારે એક થઇ કોર્પોરેશનના કર્મીઓને પોતાના ત્યાં પહેલા પેવર બ્લોક નાંખવા કહ્યું તેમ ન થતા તેમણે મજુરોને ભગાડી દીધા હતા. જેથી બંકિમચંદ્રના ભાઇ શરદચંદ્ર ઇન્દ્રેકર, ગીતાબેન ગારંગે, ઉન્નતિ ઇન્દ્રેકર સાથે માથાકુટ કરતા હોઇ બંકિંમ ઘરમાંથી બહાર આવ્યા હતા અને તેમણે 100 નંબર પરથી પોલીસ બોલાવી હતી. જેથી ઉસ્કેરાયેલા વિજય ગારંગેના પરિવારે બંકિમચંદ્ર પર કેમ પોલીસ બોલાવી કહી ગડદાપાટુનો માર મારી પેવર બ્લોક માતા તેને છાતીમાં વાગ્યો હતો. જેથી પરિવારે 108 બોલાવતા તેમનું ત્યાં જ મોત નિપજ્યુ હતું. સરદારનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી…સૌજન્ય