વડોદરાઃ વર્ષ 1982માં ‘કુલી’ ફિલ્મના શૂટિંગ દરમિયાન ફાઇટના સીનમાં અમિતાભ બચ્ચન ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે વડોદરાના અરવિંદ પંડ્યાએ અમિતાભના સ્વાસ્થ્ય માટે રાખેલી ઉંધા દોડવાની બાધા રાખી હતી. અમિતાભ બચ્ચનનું સ્વાસ્થ્ય સારૂ થયા બાદ અરવિંદ પંડ્યા વડોદરાથી મુંબઇ સુધી ઉંધા દોડ્યા હતા. હવે અરવિંદ પંડ્યાનો પુત્ર પણ પિતાના રસ્તે આગળ વધી રહ્યો છે. અરવિંદ પંડ્યાના પુત્ર સુરજ પંડ્યાએ આજે કેરળના પૂરગ્રસ્તો માટે ભંડોળ એકત્રિત કરવા માટે વડોદરાના ગાંધીનગર ગૃહથી છાણી જકાતનાકા સુધી 8 કિલોમીટરની ઉંધી દોડ લગાવી હતી.
વડોદરાના યુવાને કેરળના પૂર પીડિતોને મદદ માટે ઉંધી દોડ લગાવી
વર્ષો પહેલા વડોદરા શહેરના અરવિંદ પંડ્યાએ ઉંધી દોડનો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. હવે તેમનો પુત્ર સુરજ પંડ્યા તેમનો વારસો આગળ વધારી રહ્યો છે. સુરજ પંડ્યા ઇંગ્લેન્ડમાં 1500 કિ.મી.ની ઉંધી દોડ માટે પસંદ થયો છે. જોકે તે પહેલા સુરજ પંડ્યાએ કેરળના પૂર પીડિતીની મદદ માટે વડોદરા શહેરમાં 8 કિલોમીટરની ઉંધી દોડ કરી હતી. સુરજ પંડ્યાએ ગાંધીનગર ગૃહથી ઉંધી દોડ શરૂ કરી હતી અને જ્યુબિલીબાગ, રાવપુરા, કાલાધોડા, સ્ટેશન, પ્રતાપગંજ, ફતેગંજ, નિઝામપુરા થઇને છાણી જકાતનાકા ઇન્દુલાલ યાજ્ઞિક ટ્રસ્ટ ખાતે દોડ પૂર્ણ થઇ હતી. આ દોડ દરમિયાન જે કંઇ ફંડ એકત્રિત થશે તે કેરળના પૂર પીડિતોને મોકલવામાં આવશે.
8 કિલોમીટરની ઉંધી દોડ લગાવનાર સુરજ પંડ્યાએ જણાવ્યું હતું કે, કેરળના પૂરરાહત ફંડ માટે મે આજે ઉંધી દોડ લગાવી હતી. મને આશા છે કે, આ દોડથી સારૂ ફંડ એકત્રિત થશે જે કેરળના પૂરગ્રસ્ત લોકોને કામમાં આવશે…સૌજન્ય D.B