સૌજન્ય-D.B.વડોદરા: વાઘોડિયા તાલુકાના ઇટોલી ગામના ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળીને છેલ્લા અઢી વર્ષમાં સખત પરિશ્રમ કરીને ગામની પ્રાથમિક શાળાને સ્વચ્છતામાં નેશનલ કક્ષાએ એવોર્ડ અપાવી સિદ્ધિ મેળવી છે. કેન્દ્ર સરકારના માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા સ્કૂલને સ્વચ્છતામાં 50 હજારનું ઇનામ આપવામાં આવ્યું છે. આજે વડોદરા જિલ્લાની સરકારી સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઇટોલી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ સ્કૂલને કેવી રીતે સ્વચ્છ રાખી શકાય તે અંગે માર્ગદર્શન લેવા આવે છે. સ્કૂલના પ્રિન્સિપાલ ચિરાગભાઈ પટેલે જણાવ્યું કે, અઢી વર્ષે પહેલાં ગામના લોકોમાં સંપ નહોતો, ગામમાં ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય હતું.
સ્કૂલમાં કુલ 140 છોકરાઓ અભ્યાસ કરે છે. જેમના માટે ટોઇલેટ,પીવાના પાણી માટે આરઓ સિસ્ટમ,જમતાં પહેલાં છોકરાઓને હાથ કેમ અને કેવી રીતે ધોવા તે અંગે ટ્રેનિગ, વિદ્યાર્થીઓ માટે ગાર્ડન,વરસાદી પાણીના સંગ્રહ માટે ટાંકાં,વિદ્યાર્થિનીઓ માટે સેનેટરી નેપકીન બોક્ષ,જૈવિક ખાતર બનાવવા જેવી સુવિધા છે. જ્યારે સ્કૂલમાં સફાઈ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓની કુલ 6 ટીમો બનાવી છે. એમએચઆરડી કોમ્પિટિશનમાં દેશમાંથી 6.50 લાખ સ્કૂલોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી ગુજરાતની 5 સ્કૂલોની પસંદગી થઈ હતી. એમએચઆરડી દ્વારા સ્વચ્છતામાં ઈંટોલી પ્રાથમિક શાળાને પુરસ્કાર આપ્યો છે.
વિદ્યાર્થીઓને સ્વચ્છતા એવોર્ડ અપાય છે,જેનાથી સ્કૂલ અને ગામ ચોખ્ખાં રહે છે
સ્કૂલના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને દર મહિને સ્વચ્છતા એવોર્ડ આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃકતા આવે. એવોર્ડ મેળવવાથી વિદ્યાર્થીઓ હવે સ્કૂલ ઉપરાંત પોતાના ઘર અને ગામમાં પણ સ્વચ્છતા જળવાય તે માટે પ્રયત્નશીલ રહે છે.
સ્કૂલનું પાણી દર 6 મહિને ગેરી કોમ્પ્લેક્ષમાં ટેસ્ટિંગ માટે આવે છે
સ્કૂલના પ્રિન્સિપાલ ચિરાગભાઈ પટેલે જણાવ્યું કે, સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોખ્ખું પીવાનું પાણી મળે તે માટે દર છ મહિને વડોદરા ગેરી કોમ્પ્લેક્ષ ખાતે સ્કૂલની ટાંકીના પાણીનો ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટમાં પાણીની ગુણવત્તા પીવાલાયક છે કે કેમ તે તપાસવામાં આવે છે.
સ્કૂલમાં કોઈ પણ વિદ્યાર્થી પ્લાસ્ટિક લઈને આવતો નથી
ઇટોલી પ્રાથમિક સ્કૂલને નોન પ્લાસ્ટિક ઝોન જાહેર કરાયો છે. સ્કૂલમાં કોઈ વિદ્યાર્થી પ્લાસ્ટિક લઈને નથી આવતો. કોઈ વિદ્યાર્થીનો જન્મ દિવસ હોય તો ચોકલેટની જગ્યાએ ફ્રૂટ કે મીઠાઈ વહેંચવામાં આવે છે. જેથી ચોકલેટનું પ્લાસ્ટિક પણ સ્કૂલમાં ન આવી શકે.