પાંડેસરાના નાગસેનનગર વિસ્તારમાંથી લોકોએ રેલી કાઢીને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. રેલીમાં સેંકડો લોકો જોડાયા હતા. તેમાં મહિલાઓ,વૃદ્ધો અને સ્કૂલના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પણ હતી. આ તબકકે દારૂથી મૃત્યુ પામનારા લોકોના સ્વજનોએએ પોતાના વહાલસોયાઓના ફોટાઓ હાથમાં રાખીને વિરોધ નોંધાવ્યો હતો.
દારૂબંધી છતાં અડ્ડા બંધ કરાવવા મહિલા-છાત્રોએ રેલી કાઢવી પડી
દાવા સાથે બુટલેગરો સાથે રાજકીય સાંઠગાંઠનો પણ આક્ષેપ
ગાંધીજીના દારૂબંધીવાળા ગુજરાત રાજ્યમાં દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે લોકોએ રેલી કાઢવી પડે છે. મંગળવારે સવારે પાંડેસરાના નાગસેનનગર વિસ્તારમાંથી લોકોએ રેલી કાઢીને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. રેલીમાં સેંકડો લોકો જોડાયા હતા. તેમાં મહિલાઓ,વૃદ્ધો અને સ્કૂલના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પણ હતી.
પાંડેસરામાં દક્ષેશ્વર મંદિરથી આગળ નાગસેનનગરના રહેવાસીઓ વિજય વાનખેડે, સરલાબેન, વિજ્ઞાન પવાર સહિત તેમના વિસ્તારમાં ધમધમતા દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ બંધ કરાવવા માટે કાઢેલી રેલીમાં અઠવા ગેટ ખાતે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પાસે ભેગા થયા હતા. રેલીમાં મહિલાઓ અને યુનિફોર્મ સહિત વિદ્યાર્થી અને વૃદ્ધો પણ જોડાયા હતા. પોલીસ કમિશનરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નાગસેનનગર અને તેની આસપાસની આવિર્ભાવ સોસાયટી,દક્ષેશ્વરનગર,કલ્યાણ કુટીર,ક્રિષ્ણાનગર વિગેરે વિસ્તારમાં 7 થી 8 હજાર લોકો પરિવાર સાથે રહે છે. ત્યાં 20 થી 25 દેશી અને ઇંગ્લીશ દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ધમધમે છે. રાજકીય અને કાનુની હોદ્દાઓ ધરાવતા પદાધિકારીઓની રહેમનજર હેઠળ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. વિસ્તારની મહિલાઓ તથા સ્કુલે જતા બાળકો અને યુવાનોના માનસિકતા પર વિપરીત અસર પડે છે.બુટલેગરો ગુનાહિત માનસિકતા ધરાવતા તેમના મળતિયાઓ સાથે મળીને વિસ્તારમાં ધાક-ધમકીથી લોકો પર દબાણ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા આવેલ છે. પોલીસ કમિશનર સતીષ શર્માએ તેમને આશ્વાસન આપ્યું છે કે ઝડપથી આ બાબતે પગલા લેવામાં આવશે. લોકોએ નાગસેન વિસ્તારમાં સીસી કેમેરા ગોઠવવા પણ રજૂઆત કરી હતી. પાંડેસરામાં ઇશ્વરસિંગ નામનો કેશિયર અડ્ડાઓ ચલાવવા માટે પરમિશન આપતો હોવાનું પણ આવેદનપત્રમાં લખ્યું છે. તેમજ ત્યાં હાજર વિજય વાનખેડેએ જણાવ્યું હતું કે નાગસેનનગરમાં છેલ્લા કેટલાક સમયમાં 10 થી વધુ લોકો દારૂના કારણે મોતને ભેટ્યા છે…. Courtesy…DB