સૌજન્ય-અમદાવાદ: નવરંગપુરાની એચએલ કોમર્સ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થી ગોપાલ મહીડા સાથેના રેગિંગના પ્રકરણમાં જેમની સામે ફરિયાદ થઈ છે તે ત્રણ વિદ્યાર્થીઓ ક્ષિતિજ, જગમલ, જયેશને સોમવારે કોલેજ દ્વારા સસ્પેન્ડ કરી દેવાયા છે. કોલેજ મેનેજમેન્ટ, કોલેજની એન્ટિ રેગિંગ કમિટીએ સર્વાનુમતે ઠરાવ બાદ આ જાહેરાત કરાઈ છે.બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીએ પણ આ રેગિંગ પ્રકરણમાં આ ત્રણેય વિદ્યાર્થીઓને(એડમિશન-એનરોલમેન્ટ-પરીક્ષા)માંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે.
એચએલ કોલેજની એન્ટિ રેગિંગ કમિટીએ સર્વાનુમતે ઠરાવ કર્યો
એચએલ કોમર્સ કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીએ રેગિંગના ત્રાસથી ફિનાઈલ પીવાનો પ્રયાસ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો છેે. આ બનાવને પગલે રવિવારે રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ કોલેજના સત્તાવાળાઓને મળીને આ વિવાદાસ્પદ પ્રકરણની પૂછપરછ કરી હતી. આ ઉપરાંત યુજીસીએ પણ આ અંગેનો ખુલાસો માંગ્યો હતો.એચએલ કોલેજના પ્રિન્સિપાલ ડો મોનાબહેન કેલ્શીકરે જણાવ્યું છે કે,‘સોમવારે સવારે કોલેજની એન્ટિ રેગિંગ કમિટીની બેઠકમળી હતી. જેમાં સર્વાનુમતે જવાબદાર ત્રણેય વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો ઠરાવ કરાયો છે, આ ઉપરાંત આ પ્રકરણની તપાસ માટે ચાર સભ્યોની એન્ટિ રેગિંગ કમિટીને જણાવાયું છે. આ પ્રકરણ અંગેનો વિસ્તૃત તપાસ રિપોર્ટ શિક્ષણ વિભાગને અપાયો છે.
દેખાવો બાદ ABVPના કાર્યકરોની અટકાયત
રેગિંગ પ્રકરણમાં જવાબદારો સામે પગલા લેવાની માંગ સાથે સોમવાર બપોરેે એબીવીપીએ બપોરે દેખાવો કરીને આવેદનપત્ર આપ્યું હતું. આ દરમિયાન પોલીસ વિભાગના કર્મચારીઓ-અધિકારીઓ વિરોધ પ્રદર્શન કરી રહેલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
રેગિંગ પ્રકરણમાં 5 સભ્યોની કમિટીની રચના
ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટીની રચના કરી છે. જેમાં ચેરમેન તરીકે ડો નીરજા અરુણનો જ્યારે સભ્ય તરીકે પંકજ શુક્લનો,હરેશ વાઢેલ,ડો. એચસી સરદાર અને ડો ભરત મૈત્રેયનો સમાવેશ કરાયો છે.