મહેસાણા | મહેસાણામાં અમદાવાદ હાઇવે પર પશાભાઇ પેટ્રોલપંપની બાજુમાં ટાઇટન કોમ્પલેક્ષના પ્રથમ માળે આવેલા બ્લ્યુ ઓસન સ્પામાં મસાજ પાર્લરના ઓથા હેઠળ અનૈતિક ધામ ચાલતુ હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે ડમી ગ્રાહક મોકલી કરેલી રેડમાં થાઇલેન્ડની 3 યુવતી અને 2 સ્પા સંચાલકોની અટકાયત કરી છે. પોલીસે ગુનો નોંધી થાઇલેન્ડની યુવતીઓને પરત તેમના દેશમાં મોકલવા તજવીજ કરી છે.
થાઇલેન્ડની 3 યુવતીઓ સાથે 2 સંચાલકોની અટકાયત
બ્લ્યુ ઓસન સ્પા અેન્ડ બ્યુટી સેન્ટરમાં વૈશ્યાવૃતિ ચાલતી હોવાની બાતમી આધારે ડીવાયએસપી મંજીતા વણઝારા અને બી ડિવિજન પોલીસ મથકના પીએસઆઇ આર.ડી. ચૌધરીએ શનિવારે ડમી ગ્રાહક મોકલી રેડ કરી હતી. પોલીસે સ્પામાંથી થાઇલેન્ડની 3 યુવતીઓ અને બે સંચાલક દિલીપ અરવિંદભાઇ પંચાલ (રહે. કુદેવકુટીર, પાલાવાસણા) અને ગૌતમ જોઇતાભાઇ સોલંકી (રહે. સેટેલાઇટ, અમદાવાદ)ની અટકાયત કરી ગુનો નોંધવા કાર્યવાહી કરી હતી.
પોલીસે ત્રણે યુવતીઓના પાસપોર્ટની વિગતો મેળવી તે દિશામાં તપાસ લંબાવી છે. આ અંગે ડીવાયએસપી મંજીતા વણઝારાએ કહ્યું કે, થાઇ યુવતીઓ પાસે અનૈતિક પ્રવૃતિઓ કરાવાતી હતી. તેમની પાસે વર્ક પરમીટ છે કે કેમ તેની તપાસ ચાલે છે. આ સ્પા મસાજનો મુખ્ય સંચાલક કોણ છે તેની તપાસ કરી મુખ્ય આરોપી બનાવીશું.
સ્પાના રૂમોમાંથી નિરોધ મળ્યા
પોલીસ તપાસમાં સ્પા મસાજ પાર્લર માટે જરૂરી સામાન જોવા મળ્યો ન હતો. પરંતુ નિરોધ હાથ લાગ્યા હતા. અહીં ગ્રાહકો માટે રૂ.10 હજારથી સ્પા શરૂ થતો હતો.
ડમી ગ્રાહક મોકલી રેડ કરી
પોલીસ ખાનગી વાહનોમાં ગોઠવાઇ હતી. ડમી ગ્રાહક 2 મિનિટમાં બહાર ના આવે તો અનૈતિક પ્રવૃતિ ચાલતી હોવાનું માની રેડનો નિર્ણય લઇ ડમી ગ્રાહક બહાર ના આવતાં રેડ કરી હતી…સૌજન્ય DB