સૌજન્ય-અમદાવાદઃ રાજ્યના યુવાઓમાં દિવસેને દિવસે સ્પોર્ટ્સ પ્રત્યેની રૂચિમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતે કોમનવેલ્થ ગેમ્સમાં ડંકો વગાડ્યા બાદ હવે મલેશિયાના પેનાગમાં યોજાયેલી એશિયા પેસિફિક માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં પણ ગુજરાતીઓ ઝળક્યા છે. એશિયા પેસિફિક માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં કરાઈ સ્થિત ગુજરાત પોલીસ એકેડમીમાં સ્વિમિંગ ઈન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા સોનલ પુરોહિત, સ્વિમિંગ લાઈફ ગાર્ડ રામ ભાઈ કે. ખાંટ અને સ્વિમિંગ કોચ રામમિલન યાદવે 30-34ના એજ ગ્રુપમાં 4 ગોલ્ડ મેડલ, 2 સિલ્વર મેડલ અને 2 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.
ટીમ મેડલ
બે પુરૂષ અને એક મહિલાની આ ટીમે બ્રેસ્ટ સ્ટ્રોક-50 મીટરમાં સિલ્વર, બ્રેસ્ટ સ્ટ્રોક-100 મીટરમાં ગોલ્ડ, ફ્રી સ્ટાઈલ-200 મીટરમાં ગોલ્ડ, ફ્રી સ્ટાઈલ-400 મીટરમાં ગોલ્ડ મેડલ તથા મિક્સ ફ્રી સ્ટાઈલ રિલે-4×50 મીટરમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
રામ મિલન યાદવ અને રામભાઈએ જીત્યા બ્રોન્ઝ અને સિલ્વર મેડલ
જ્યારે સ્વિમિંગ લાઈફ ગાર્ડ રામભાઈ કે.ખાંટે 35થી 39ના એજ ગ્રુપમાં ફ્રી સ્ટાઈલ-400 મીટરમાં સિલ્વર અને ફ્રી સ્ટાઈલ-800 મીટરમાં બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. તેમજ સ્વિમિંગ કોચ રામ મિલન યાદવે 45થી 49ના ગ્રુપમાં બટરફ્લાય-100 મીટરમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.
આ સિદ્ધિ મેળવનારી ગુજરાત પોલીસની પહેલી મહિલા બની સોનલ પુરોહિત
ઉલ્લેખનીય છે કે, સોનલ પુરોહિતે ખેલ મહાકુંભ-2016થી સ્વિમિંગ કરિયર શરૂ કરી હતી. ત્યાર બાદ તેણીએ સ્વિમિંગ પ્રેક્ટિસ ચાલુ રાખી હતી અને તેણે એશિયા પેસિફિક માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં આ સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ મેળવ મેળવનારી તે ગુજરાત પોલીસની પહેલી મહિલા છે.