આખો મામલો મેનેજમેન્ટમાં જતા પોલીસે હોસ્ટેલમાં પહોંચી નિવેદનો લીધા
સૌજન્ય-DB/વલસાડ તિથલરોડ પર વિશાળ કોલેજ કેમ્પસમાં બી.કે.એમ.સાયન્સ કોલેજની ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે. તેમાં દૂર દૂરના ગામોમાંથી આવતી છોકરીઓ રહી કોલેજમાં અભ્યાસ કરી રહી છે. હોસ્ટેલમાં રહેતી છોકરી ઓ માટે રસોડું પણ ચાલી રહ્યું છે. જેમાં ભરૂચનો દુર્ગેશ રબારી રસોઈયા તરીકે કામ કરતો હતો. તે દરમિયાન રસોઈયાએ હોસ્ટેલની છોકરીઓ સાથે મિત્રતા કેળવી કેટલીક છોકરીઓના મોબાઈલ નંબર પણ મેળવી લીધા હતા…
ધીરે ધીરે રસોયઈયા દુર્ગેશ રબારીએ તેના મોબાઈલ પરથી છોકરીઓ સાથે વાતો કરવાનું ચાલુ કરી દીધું હતું. તેણે છોકરીઓના મોબાઈલ પર ગંદી હરકતો કરવાનું શરૂ કરતાં છોકરી ઓએ પ્રથમ હોસ્ટેલના મહિલા રેક્ટરને ફરિયાદ કરી હતી. રેક્ટરે ઉપર લેવલે મેનેજમેન્ટને આ અંગે કોઈ જાણ ન કરતાં ફરીવાર રસોઈયા દુર્ગેશે પોતાની મનમાની કરી વારંવાર છોકરીઓને મોબાઈલ પર અભદ્ર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા બે માસથી આ પ્રકારની રસોઈયા દ્વારા કરાતી હરકતોથી છેવટે વાજ આવી માનસિક રીતે ત્રાસી ગયેલી હોસ્ટેલ ની છોકરીઓઓએ મક્કમ થઈ મેનેજમેન્ટને રસોઈયા વિરૂધ્ધ લેખિત ફરિયાદ કરી હતી. જેના પગલે કોલેજ કેમ્પસમાં હોબાળો મચી ગયો હતો.
પાકિસ્તાન ભગાડી જવાની પણ ધમકી
ભરૂચના દુર્ગેશ રબારીએ હોસ્ટેલમાં રહેતી છોકરીઓના મોબાઈલ પર ગંદા મેસેજની સાથે પાકિસ્તાન બગાડી જવાની તથા વિડીયો વાઈરલ કરી દેવાની પણ ધમકી આપી હતી.
CID PIનો ભત્રીજો હોવાની બડાશ મારતો
દુર્ગેશ હોસ્ટેલની છોકરીઓને ફોન પર પરેશાન કરતો હતો. ઉપરાંત કોઈ તાબે ના થાય તો પોતે સીઆઈડી પીઆઈનો ભત્રીજો હોવાનું કહેતો હતો.
રસોઈયા વિરૂધ્ધ પોલીસમાં રજૂઆત કરી છે
કોલેજ કેમ્પસની ગર્લ્સ હોસ્ટેલના રસોઈયા દુર્ગેશ રબારીએ છોકરીઓ સાથે મોબાઈલ પર બિભસ્ત કોમેન્ટ કરતા તેને રસોઈ કોન્ટ્રાક્ટરે તગેડી મૂક્યો હતો. ફરીવાર તે આ પ્રકારની હરકતો કરતો હોવાની જાણ મને છેલ્લા વીકમાં થઈ હતી. જે અંગે મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી પોલીસમાં લેખિત રજૂઆત કરી છે.ડો.સુનિલ મરઝાદી, કેમ્પસ ડાયરેક્ટર, કોલેજ વલસાડ.
તપાસમાં તથ્ય જણાશે તો ફરિયાદ થશે
કોલેજ હોસ્ટેલનો રસોઈઓ છોકરીઓને મોબાઈલ પર ખરાબ મેસેજ કરી રંજાડતો હોવાની કોલેજ મેનેજમેન્ટ તરફથી એક લેખિત અરજી આવી છે. જેમાં પોલીસ તમામ પ્રકારની તપાસ કરી યોગ્ય લાગે તો ફરિયાદ નોંધશે. આ કેસમાં જે યુવક સામે ફરિયાદ કરવામાં આવી છે તે દુર્ગેશ રબારી માનસિક રીતે સ્વસ્થ પણ નથી. માનસિક સ્વસ્થતા માટે દુર્ગેશની દવા ચાલું હોવાનું જાણવા મળ્યું છે. છતાં તેના નિવેદનો લઈ આગળ ની કાર્યવાહી કરીશું.એન.કે.કામળિયા, પીઆઈ, સિટી પોલીસ, વલસાડ