સૌજન્ય/સુરતઃ મંગોલીયામાં એશિયન જિમ્નાસ્ટિક સ્પર્ધામાં સુરત શહેરના સાત સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં અંડર-17ની મિક્સ જિમ્નાસ્ટિકમાં ભવ્યાન્શુ અને પ્રકૃતિએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે અંડર-14ની મિક્સ અને ટ્રાયો જિમ્નાસ્ટિક સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી સુરતનું જ નહીં દેશનું નામ રોશન કર્યું છે. આજે તમામ સ્પર્ધકો સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
એક ગોલ્ડ અને બે સિલ્ડર મેડલ મેળવ્યા
એશિયન દેશોની જિમ્નાસ્ટિક સ્પર્ધા મંગોલીયા ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં સુરત સાત સ્પર્ધકોએ ભાગ લીધો હતો. અંડર-17 ભવ્યાન્શુ ગામીત અને પ્રકૃતિ શિંદેએ ગોલ્ડ મેડલ મેળવ્યો છે. જ્યારે અંડર-14ની મિક્સ સ્પર્ધામાં હર્ષિલ પટેલ-નિશાંત ચૌધરી અને ટ્રાયો જિમ્નાસ્ટિકમાં હર્ષિલ પટેલ, વિશ્વા પટેલ અને શુભમ રાણાએ સિલ્વર મેડલ મેળવી સુરતનું નામ રોશન કર્યું છે.
સુરત એરપોર્ટ પર ભવ્ય સ્વાગત
જિમ્નાસ્ટિકની એશિયન દેશોની ક્વોલિફાય સ્પર્ધા ચેન્નઈ ખાતે યોજાઈ હતી. આ સપ્રધામાં સુરતના સાત સ્પર્ધકો વિજેતા થયા હતા. જેથી તેમને મંગોલીયા ખાતે દેશનું પ્રતિનિધિત્વ કરવા ગયા હતા. અને સ્પર્ધામાં સાત સ્પર્ધકો પૈકી પાંચ સ્પર્ધકોએ ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા હતા. અને આજ રોજ સુરત પહોંચ્યા હતા. જ્યારં સુરત એરપોર્ટ પર મેયર જગદીશ પટેલ સહિતના લોકોએ વિજેતાઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
ગોલ્ડ જીતવાનું સપનું આજે પુરૂ થયું: ભવ્યાન્શુ
ગોલ્ડ મેડલ મેળવનાર ભવ્યાન્શુએ જણાવ્યું હતું કે, તમામ રમતોની શરૂઆત જિમ્નાસ્ટિકથી જ થાય છે. જેથી તેને રમતોની માતા ગણવામાં આવે છે. આ ઉપરાંત મારા મમ્મી પિનાબેન જિમ્નાસ્ટિક કરતા હોવાથી તેઓમાંથી પ્રેરણા મળી છે. જ્યારે હું ચોથા ધોરણમાં હતો. ત્યારથી જિમ્નાસ્ટિક કરતો હતો. ત્યારે જ સપનું જોયું હતું કે, ગોલ્ડ જીતીશ જે આજે પુરૂ થયું.
પહેલી વખત યોજાઈ એશિયન દેશોની જિમ્નાસ્ટિક સ્પર્ધા
અત્યાર સુધી દેશની અંદર જ જિમ્નાસ્ટિક સ્પર્ધા યોજવામાં આવતી હતી. જ્યારે પહેલી વખત એશિયાના વિવિધ દેશો વચ્ચે જિમ્નાસ્ટિકની વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકો ગયા હતા. પરંતુ સિરતના જ સાત સ્પર્ધકોએ સૌથી સારું પ્રદર્શન કરતા તેઓને ઈન્ટરનેશનલ કક્ષાની સ્પર્ધા માટે મોકલવામાં આવ્યા હતા.