વડોદરાઃ ઉત્સવ પ્રિય વડોદરા નગરીમાં અપાર ઉત્સાહ સાથે ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે. ગણેશોત્સવમાં શહેરના રાવપુરામાં ચિત્તેસ્થાન યુવક મંડળ દ્વારા 850 કિલો કાચા કેળામાંથી તૈયાર કરવામાં આવેલી શ્રી દુંદાળાદેવની મૂર્તિએ શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. વિસર્જનના દિવસે આ કેળાનો પ્રસાદ કરવામાં આવશે.
સાંજ થતાની સાથે જ ગણેશ પંડાલોમાં થાય છે લોકોની ભીડ
પ્રતિવર્ષ મુજબ ગણેશચતર્થીના દિવસથી પાર્વતી નંદન શ્રી ગણેશજી ઉત્સવપ્રિય વડોદરા નગરીના નગરજનોનું દસ દિવસનું વિવિધ સ્વરૂપે પરોણાગત માણવા પધાર્યા છે. છેલ્લા 5 દિવસથી ચાલી રહેલા ગણેશોત્સવમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વિવિધ સ્વરૂપે બિરાજમાન શ્રીજીના દર્શન માટે શહેરીજનો સાંજ પડતાજ પંડાલોમાં ઉમટી રહ્યા છે.
કાચા કેળામાંથી તૈયાર કરાઈ છે શ્રીજીની 5 ફૂટ ઉંચી મૂર્તિ
ગણેશમય બની ગયેલા શહેરમાં આ વર્ષે પણ વિવિધ યુવક મંડળોના યુવાનો દ્વારા પોતાની કલ્પના મુજબ શ્રીજીને વિવિધ સ્વરૂપે કંડાર્યા છે. જેમાં રાવપુરામાં આવેલ શ્રી ચિત્તેસ્થાન યુવક મંડળના યુવાનો દ્વારા 850 કિલો કાચા કેળામાંથી તૈયાર કરલી શ્રીજીની 5 ફૂટ ઉંચી મૂર્તિએ શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે. સાંજ પડતાં 850 કિલો કાચા કેળામાંથી બનાવેલા શ્રી ગણેશજીના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે…સૌજન્ય