ફાઈલ ફોટો-સુરત-મહિધરપુરામાં શુક્રવારે એક બાળક પર પાલતુ કુતરાએ હુમલો કર્યા બાદ સ્થાનીક રહીશોની ફરિયાદથી પાલિકાના કર્મીઓ કુતરાને પકડવા જતાં એક મહિલાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મહિલાના આત્યંતિક પગલાંથી પાલિકા કર્મીઓ ચોંકી ઉઠ્યા હતા. મહિલાને સ્મીમેરમાં ખસેડાઈ જ્યાં પોલીસે મહિલાનું નિવેદન લઈ તપાસ શરૂ કરી છે. મહિધરપુરા મણીયારા શેરી ખાતે રહેતા કૃતિકાબેન અરૂણકુમાર વૈધ પીઆર એજન્સી ચલાવતા હતા અને હાલ ટ્રાવેલ્સ એજન્સી ચલાવે છે. તેમણે એક કુતરૂ અને કુતરી પાળેલા છે. હાલમાં ગણપતી ઉત્સવ હોવાથી ઢોલ નગારાંના અવાજને કારણે પાલતુ કુતરાં ગભરાઈ જતા હોવાથી રૂમમાં પુરીને રાખ્યા હતા. શુક્રવારે રાત્રે તેમણે કુતરાને થોડો સમય માટે બહાર કાઢ્યો હતો.
તેમના ઘર નજીક રહેતા દેવલ નામના બાળકને કુતરાએ પકડી લીધું હતું. કૃતિકાબેને ત્યાં પહોંચી બાળકને છોડાવ્યું હતું. જોકે કુતરાએ બાળક પર હુમલો કર્યો હોવાથી સ્થાનીક રહીશોએ તે અંગે પાલિકામાં ફરીયાદ કરી હતી. જેથી શનિવારે પાલિકાના કર્મચારીઓ તેમના કુતરાને પકડવા માટે ગયા હતા. જોકે જીવદયા પ્રેમી કૃતીકાએ તેમનો વિરોધ કર્યો હતો. પરંતુ પાલિકાના કર્મચારીઓ ન માનતાં કૃતિકાબેન ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી પાલિકાના કર્મચારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આખરે કૃતિકાબેનને સ્મીમેરમાં ખસેડાયા હતા. મહિધરપુરા પોલીસે સ્મીમેરમાં જઇ કાર્યવાહી હાથ ધરી હતી…સૌજન્ય DB