સૌજન્ય-DB_અમદાવાદઃ આશ્રમરોડ ઉપર આવેલા સેલ્સ ઈન્ડિયાના શો રૂમમાંથી તસ્કરો રૂ. 20 લાખની કિંમતના 111 મોબાઈલ ફોન ચોરી જતા પોલીસ દોડતી થઇ છે. મહત્વની વાત તો એ છે કે શો રૂમની બહાર 2 સિક્યુરિટી ગાર્ડ 24 કલાક માટે તહેનાત હોવા છતાં ચોરો ચોરી કરી ગયા હતા. જ્યારે શો રૂમની અંદર અને બહારના સીસીટીવી કેમેરા બંધ હોવાથી ચોરોની ભાળ મેળવવા પોલીસે રોડ પરના તેમજ અન્ય દુકાનોના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવા તજવીજ શરૂ કરી છે.
શો રૂમ બંધ કરતી વખતે અંદરના અને બહારના સીસીટીવીની સ્વિચ બંધ કરી દેતા હોવાથી ચોરીની આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ નથી
જુહાપુરા જર્ફ ડેરી સામેના ક્લાસિક વેલામાં રહેતા મુન્તિયાઝઅલી ઈનાયતઅલી સૈયદ(49) 14 વર્ષથી આશ્રમરોડ પરના સેલ્સ ઈન્ડિયામાં નોકરી કરે છે અને છેલ્લા 4 વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગુરુવારે રાતે 213 મોબાઈલ ફોન સહિતની પ્રોડક્ટનું સ્ટોક લિસ્ટ તૈયાર કરીને મુન્તિયાઝઅલી તેમજ અન્ય સ્ટાફ મેમ્બરો ઘરે ગયા હતા. જ્યારે સવારે આસિસ્ટન્ટ મેનેજર સુરેશકુમાર સોહનલાલ કલાલે શો રૂમે આવીને જોયું તો આશ્રમરોડ બાજુની દુકાનના 2 શટરમાં તાળાં મારેલાં હતાં.
પરંતુ શટર વચ્ચેથી ઊંચા હતા. જેથી શો રૂમમાંથી ચોરી થઇ હોવાની શંકા જતા સુરેશકુમારે મુન્તિયાઝઅલીને ફોન કરીને જાણ કરી હતી. તેમણે શો રૂમ ઉપર આવીને તપાસ કરી તો જુદી જુદી કંપનીના 111 મોબાઈલ ફોનની ચોરી થઇ હતી. જેની કિંમત રૂ. 20 લાખ જેટલી થાય છે. આ અંગે મુન્તિયાઝઅલીએ પોલીસને જાણ કરતા નવરંગપુરા પોલીસ આવી પહોંચી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ અંગે નવરંગપુરા પીઆઈ એ.એમ.પરમારે જણાવ્યું હતું કે શો રૂમની બહાર 24 કલાક માટે ચેકમેક સિક્યુરિટી સર્વિસના ગાર્ડ તહેનાત રહે છે. રાતે પણ સ્ટોરના આગળ અને પાછળના દરવાજે 1-1 ગાર્ડ તહેનાત હતા. તેમ છતાં ચોરી થતા સિક્યુરિટી ગાર્ડની પણ ઊલટતપાસ કરવામાં આવશે.
સ્ટાફ મેમ્બરોની પણ ઊલટતપાસ શરૂ
સેલ્સ ઈન્ડિયામાં કુલ 45 કર્મચારીઓનો સ્ટાફ છે. જેમાંથી 30 કર્મચારીઓ વહીવટી કામગીરી સાથે સંકળાયેલા છે. જો કે શો રૂમમાંથી ચોરી થવાની ઘટનામાં કોઇ સ્ટાફ મેમ્બરની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ કરવા તમામ સ્ટાફ મેમ્બરોની ઊલટતપાસ શરૂ કરી છે.
રનિંગ મોડલના મોબાઇલ ફોન જ લઇ ગયા
સેલ્સ ઈન્ડિયાના શો રૂમના મોબાઈલ ડિપાર્ટમેન્ટમાં સ્ટોકમાં કુલ 213 મોબાઈલ ફોન હતા. પરંતુ તસ્કરો 111 મોબાઈલ ફોન જ ચોરી ગયા છે. જ્યારે અમુક મોબાઈલ ફોન તો પેકિંગમાંથી બહાર કાઢ્યા હતા પણ લઇ ગયા નથી. જેથી ચોરો રનિંગ મોડલના બજારમાં તરત વેચાઇ જતા ફોન જ ચોરી ગયા હતા.